જાતીય સતામણી અને બાળ ગુનાઓના મામલે ૧૮ રાજ્યોમાં બનશે ૧૦૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટ

New Update
જાતીય સતામણી અને બાળ ગુનાઓના મામલે ૧૮ રાજ્યોમાં બનશે ૧૦૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટ

જાતીય સતામણીના મામલે તાત્કાલિક સુનાવણી માટે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયે ૧૦૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટ ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ વિશેષ અદાલત આગામી એક વર્ષ સુધીમાં કામ શરૂ કરવા લાગશે. જેમાં મહિલાના યૌન ઉત્પીડન અને બાળ ગુના સાથે જોડાયેલાં પોક્સો એક્ટના મામલે સુનાવણી થશે. હાલ દેશમાં ૬૬૪ ફાસ્ટ ટ્રેક કોર્ટ કામ કરે છે.

મંત્રાલયના પ્રવક્તાએ ગુરૂવારે જણાવ્યું કે વિશેષ અદાલતના નિર્માણ પર ૭૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ રકમ નિર્ભયા કોષમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બજેટમાં ૪૭૪ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને બાકી ૨૨૬ કરોડ રાજ્ય સરકાર આપશે. દરેક ફાસ્ટ કોર્ટને સંચાલિત કરવામાં વર્ષે લગભગ ૭૫ લાખનો ખર્ચ આવશે. જેને સ્થાપિત કરવાની જવાબદારી ગૃહ મંત્રાલયની પાસે હશે. જ્યારે કાયદા મંત્રાલય દરેક ત્રણ માસે સુનાવણીની પ્રગતિ રિપોર્ટ તૈયાર કરશે.

૧૮ રાજ્યોમાં બનશે ખાસ કોર્ટ, પ્રસ્તાવ મુજબ ૧૮ રાજ્યોમાં પોક્સો એક્ટ અંતર્ગત ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. જેમાંમહારાષ્ટ્ર, ત્રિપુરા, પશ્ચિમબંગાળ, મેઘાલય, ઝારખંડ, આંધ્રપ્રદેશ, બિહાર, મણિપુર, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક, મિઝોરમ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, તમિલનાડુ,આસામ અને હરિયાણા સામેલ છે.