/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-2.jpg)
ભરૂચનાં ચકલા વિસ્તારમાં સોની પરિવારમાં લગ્ન બાદ સત્કાર સમારંભ હતો. તે દરમિયાન ઘરમાંથી 22 લાખ ઉપરાંત સોનાચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. જે ઘટનાનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા મળી છે , અને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદિપ સિંહનાં માર્ગ દર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ લલિત વાગડીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને એક બાઈક પર સવાર બે ઈસમો સેવાશ્રમ રોડ પર સોનાનાં ઘરેણા વેચવા માટે ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી. ચોક્કસ બાતમીને આધારે અને જિલ્લા પોલીસ વડા સંદિપ સિંહના માર્ગ દર્શન હેઠળ એલસીબી પોલીસે વોચ ગોઠવીને હિરો સ્પ્લેન્ડર બાઈક પર સવાર થઈને પસાર થતા બે ઈસમોને રોક્યા હતા, અને પોલીસ તપાસમાં તેઓના નામ ઇમરાન શબ્બીરભાઈ મિયાગામ વાલા,રહે A - 145, ન્યુ આનંદનગર સોસાયટી, સિધ્ધનાથ સોસાયટી પાસે ભરૂચ તેમજ આકીબ ગુલામભાઈ ભાયજી વોરા પટેલ, રહે રોયલ પાર્ક સોસાયટી,પેટ્રોલપંપ પાસે ,આમોદના ઓ હોવાનું જાણવા મળ્યુ હતુ.
એલસીબી પોલીસે ઇમરાનને તેની પાસેની સોનાની ચેઇન અને મોબાઈલ ફોન અંગેનાં જરૂરી પુરાવા માંગ્યા હતા, પરંતુ તે પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યો નહોતો, ત્યારબાદ પોલીસ દ્વારા સઘન પુછપરછ કરવામાં આવતા તેઓએ ભરૂચ ચકલામાં ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદિપ સિંહે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે ભરૂચના ચકલા વિસ્તારમાં રહેતા અતુલભાઈ સોનીના પુત્ર હર્ષના લગ્ન બાદ તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ નવપરણિત દંપતિનું રિસેપ્સશન રાખવામાં આવ્યુ હતુ. અને આ તકનો લાભ લઈને ઇમરાન અને આકીબ જમવા માટે મંડપમાં ગયા હતા, અને લોકોની વાતચીત સાંભળીને અતુલભાઈ સોનીના ઘરમાં કોઈ નહિ હોવાનું જાણી લીધું હતુ, અને ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
આરોપીઓએ અતુલભાઈ સોનીના ઘરનું તાળુ તોડીને ઘર માંથી સોના ચાંદીના દાગીના કુલ વજન 1166.7 ગ્રામની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.પોલીસે ઇમરાનના ઘરે થી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો.અને એક બાઈક તેમજ બે મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 22,83, 459નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
પોલીસ વડા સંદિપ સિંહે વધુમાં જણાવ્યુ હતુ કે અતુલભાઈ સોનીના ઘરેથી જે દાગીના ચોરાયા હતા,એ તમામ મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે.અને એલસીબી પોલીસની ટીમની કામગીરીને બિરદાવીને અભિનંદ પાઠવ્યા હતા.