Connect Gujarat
Featured

મહીસાગર : કડાણા ડેમ ખાલીખમ, નહિવત વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી

મહીસાગર : કડાણા ડેમ ખાલીખમ, નહિવત વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી
X

મહીસાગર જિલ્લામાં નહિવત વરસાદના કારણે કડાણા ડેમની સપાટી મૃતપાય થવાના આરે છે. હાલ માત્ર ૩૦% પાણીનો જથ્થો છે છતાં બંધ સત્તાધીશો દ્વારા ૬૦૦૦ ક્યુસેક પાણી મહી સિંચાઇ વિભાગ માટે છોડવામાં આવી રહ્યું છે. આવનાર દિવસોમાં વરસાદ નહીં થાય તો જીલ્લામાં ભયંકર જળસંકટની કટોકટી સર્જાશે તેવા એંધાણ દેખાય રહ્યા છે.

ગુજરાત રાજ્યનો બીજા નંબરનો સૌથી મોટો અને મહિસાગર જીલ્લાના જીવાદોરી સમાન તેમજ ગુજરાત રાજ્યના નવ જીલ્લાઓને પીવા તેમજ સિંચાઇનું પાણી પૂરું પાડનાર કડાણા ડેમની સપાટી તળિયે જઇ રહી છે. હાલ નહિવત ૩૦% જેટલો જથ્થો ડેમમાં જોવા મળી રહ્યો છે. આગામી ૨૦ દિવસમાં ડેમની સપાટી મૃતપાયે પહોંચી જશે તેવા સંકેત જણાઈ રહ્યા છે. કડાણા ડેમના સત્તાધીશો દ્વારા ખેડા મહી સિંચાઇ વિભાગના હાલ સરેરાશ ૬૦૦૦ ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. ત્યારે જો આ પ્રમાણે જ ખેડા મહી સિંચાઇ વિભાગની માંગણી પૂરી કરવામાં આવશે તો ૨૦ દિવસ બાદ ડેમની સપાટીના તળિયા જાટક થઈ જશે તેવું પ્રતિત થઈ રહ્યું છે. આવનાર દિવસોમાં વરસાદ નહીં પડે તો જળ સંકટ સર્જાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

કાર્યપાલક ઇજનેરના જણાવ્યાનુસાર કડાણા ડેમમાં પાણીની આવક નહિવત છે. ડેમની હાલ સપાટી ૩૮૨ ફૂટ છે. જ્યારે ૩૦૦૦ ક્યુસેક પાણીની આવક સામે ૬૦૦૦ ક્યુસેક પાણી ખર્ચ થઈ રહ્યું છે. જે નડિયાદ, ખેડા અને આણંદને આપવામાં આવી રહ્યું છે. જો વરસાદ પૂરતા પ્રમાણમાં નહીં થાય તો મહિસાગરના ખેડૂતો માથે સંકટ સર્જાશે તેવો ડર જીલ્લાવાસીઓ અનુભવી રહ્યા છે.

Next Story