ભારતની સંસ્કૃતિની ઓળખ અને દેશના ગૌરવ સમાન હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. આજે સમગ્ર દેશમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે ૧૪મી સપ્ટેમ્બરના દિવસે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. ૧૪મી સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણીય સભાએ હિન્દીને રાષ્ટ્રીય ભાષા જાહેર કરવા માટે સર્વાનુમતે નિર્ણય કર્યો હતો.
આ દિવસની સ્મૃતિ રૂપે તેમજ હિન્દીને દરેક ક્ષેત્રમાં પ્રસારિત કરવા માટે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર ૧૯૫૩થી દર વર્ષે ૧૪મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સૌપ્રથમ મહાત્મા ગાંધીજીએ ૧૯૧૮માં હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા બનાવવા માટે કહ્યુ હતુ. ગાંધીજીએ હિન્દીને જનમાનસની ભાષા ગણાવી હતી.
આમ તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ ગણાય છે. જેમાં ઘણી બધી ભાષા અને બોલીઓ બોલાય છે. આજે કેટલાક લોકો માતૃભાષાને હિન્દી કરતા વધુ મહત્વ આપે છે.
વર્ષ ૨૦૦૦માં સોની ચેનલ પર કૌન બનેગા કરોડપતિ શો ચાલુ થયો ત્યારે અમિતાભ બચ્ચને તેને સંપૂર્ણ હિન્દીમાં હોસ્ટ કરેલો. જ્યારે બધા જ લોકો લેડીઝ એન્ડ જેન્ટસ કહે છે અમિતાભે દેવીઓ અને સજ્જનો દ્વારા એક નવો ચીલો ચાતર્યો હતો. અમિતાભ બચ્ચની આ શુદ્ધ હિન્દી ભાષા શોની ટીઆરપી વધારવામાં મહત્વની સાબિત થઇ હતી.
ત્યારે આજના આ ખાસ દિવસે આપણે પણ રોજ બરોજના જીવનમાં હિન્દીના પ્રયોગને વધારીને તેને સાચા અર્થમાં સાર્થક કરીએ.
જેની શરૂઆત આપણે આપણી સાઇન હિન્દીમાં કરીને પણ કરી શકીએ છીએ. તે સાથે જ મિત્રો અને સ્વજનો સાથે હિન્દીમાં વાત કરીને પણ રાષ્ટ્રભાષાનો પ્રચાર કરીએ. વધુમાં વિદેશીઓનું આપણે અનુકરણ કરતા થયા છે પરંતુ તેઓ પાસેથી પણ એક વાત શિખવા જેવી છે અને એ છે પોતાની રાષ્ટ્રીય ભાષાને મહત્વ આપવુ. આજના સમયમાં અંગ્રેજી અનિવાર્ય છે પરંતુ રાષ્ટ્રીય ભાષા હિન્દીનું પણ ગૌરવ જાળવવું જોઈએ.