Connect Gujarat
Featured

સુરત : વરસાદે સુરતમાં ભારે કરી, ગરનાળાઓમાં પાણી તો ખાડીઓ ઓવરફલો

સુરત : વરસાદે સુરતમાં ભારે કરી, ગરનાળાઓમાં પાણી તો ખાડીઓ ઓવરફલો
X

સુરતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઇ ચુકયું છે. લીંબાયત રેલવે ગરનાળામાં પાણી ભરાવાથી તેમજ ઉઘના રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. બીજી તરફ ભેદવાડની ખાડીના જળસ્તર વધી રહયાં હોવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોના જીવ તાળવે ચોટી ગયાં છે.

સુરત શહેરને મેઘરાજા મન મુકીને ધમરોળી રહયાં છે. સુરતના લીંબાયત વિસ્તારમાં ગટરના પાણીનો નિકાલ થતો નહિ હોવાથી લીંબાયતના ગરનાળામાં પાણીનો ભરાવો થઇ ગયો છે. સ્થાનિક લોકોની સુવિધા માટે ફલાય ઓવર બ્રિજ બનાવાયો છે છતાં તેનો ઉપયોગ કરતા નથી. આ ઉપરાંત ફલાય ઓવર બ્રિજની નીચે રહેતા લોકો લીંબાયત રેલવે ગરનાળા રસ્તા નો ઉપયોગ કરે છે. ગરનાળામાંથી વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહયાં છે.

સતત વરસી રહેલાં વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના તેમજ પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા છે.શહેરમાં પવન સાથે વરસેલા વરસાદના કારણે ઉધના મુખ્યમાર્ગ પર ઘટાદાર વૃક્ષ ધરાસાઈ થયું છે. ભાજપ કાર્યાલયની બહાર મુખ્ય રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. વરસતા વરસાદની વચ્ચે વાહનચાલકોની હાલત કફોડી બની હતી. ફાયર વિભાગની ટીમે દોડી આવી વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

સુરત ઉપરવાસ માં વરસી રહેલા વરસાદના કારણે હજી પણ ભેદવાડ ખાડી બંને કાંઠે વહી રહી છે. બે દિવસ પહેલા જ ભેદવાડ ખાડી ઓરફલો થવાના કારણે ઉધના અને નવસારીને જોડતાં મુખ્ય માર્ગ પર પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારના રોજ પણ પાંડેસરા ભેદવાડ ખાડીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારની લગોલગ ખાડીનું પાણી વહી રહ્યું છે. ભેદવાડ ખાડીના કારણે પાંડેસરા વિસ્તારમાં પાણી પ્રવેશ્યું હતું. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ભેદવાડની ખાડી ગાંડીતુર બની વિનાશ વેરી રહી છે. નીચાણ વાળા વિસ્તારમાં રહેતાં લોકો ઉભડક જીવે દિવસો પસાર કરી રહયાં છે.

Next Story