/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/zcxzc.jpg)
લોકોએ વૃક્ષમિત્ર બનીને વનોની જાળવણી માટે આગળ આવવુ પડશે-એન.શ્રીવાસ્તવ
સમગ્ર રાજ્યમાં ૭૦માં વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે આજે આણંદમાં જિલ્લા કક્ષાના વનમહોત્સવ એ.ડી.આઇ.ટી.કોલેજ , ન્યુ. વલ્લભવિધાનગર ખાતે સામાજીક વનિકરણ વિભાગ આણંદ દ્વારા પ્રારંભ કરાવાયો. જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સને ૧૯૫૦ માં કનૈયાલાલ મુનશી દ્વારા આ વનમહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જેને આજે ૭૦ વર્ષ થવા પામ્યા છે. આ વનમહોત્સવની ઉજવણી લોકોમાં વન પ્રત્યેની જાગૃતતા ફેલાવવા તેમજ પૃથ્વીને પ્રદુષણથી દુષિત થતા અટકાવવા તેમજ પૃથ્વી પર વૃક્ષોનુ પ્રમાણ વધારીને હરિયાળુ વાતાવરણ ઉભુ કરવાના હેતુથી દર વર્ષે વન મહોત્સવ ઉજવાય છે.
આ વનમહોત્સવની ઉજવણીનો મુખ્ય વન સંરક્ષક એન.શ્રીવાસ્તવ, જિલ્લા કલેક્ટર દિલીપરાણા અને અન્ય મહાનુભાવોના હસ્તે મંગલદિપ પ્રાગટ્યકરથી પ્રારંભ કરાયો હતો. આ વનમહોત્સવમાં ઉપસ્થિત અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એન.શ્રીવાસ્તવે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે ૧૯૫૦માં શરૂ કનૈયાલાલ મુનશી દ્વારા શરૂ કરવામાં આવેલ વન મહોત્સવએ તેમના દુરંદેશી વિચારનો એક ભાગ હતો જેને ગુજરાત રાજ્યએ અત્યાર સુધી જાળવી રાખ્યો છે. તેમજ આણંદ જિલ્લો હરિયાળા વાતાવરણમાં સમગ્ર રાજ્યમાં ઉચ્ચ સ્તરે છે માટે અહીના લોકો પોતાની નૈતિક ફરજ સમજીને આ દરજ્જો જાળવી રાખે તેમજ તેમાં ઉત્તરોઉત્તર વધારો કરવા હેતુ દરેક જન એક વૃક્ષ વાવે તેમજ તેનો ઉછેર કરે તેવી હું આશા વ્યક્ત કરુ છું.
એન.શ્રીવાસ્તવે આણંદ જિલ્લાના લોકોને વૃક્ષમિત્ર બનીને વૃક્ષાની જાળવણી કરવા તેમજ તેનું નિકંદન થતુ અટકાવવા અને તકનીકી ઉપયોગ સાથે જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ વધારવા નેમ વ્યકત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવે આણંદ જિલ્લાના લોકોને વૃક્ષોનું નિકંદન થતુ અટકાવવા તેમજ તેનું જતન કરવા હેતુસર અંત:કરણ પુર્વક પ્રતિજ્ઞા લેવાનું સુચવ્યુ હતુ. તેમજ પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષોની જાણવણી કરવા સુચવ્યુ હતુ.
જિલ્લાના અગ્રણી મહેશ પટેલ દ્વારા કુદરતી સંસાધનોની બચત કરીને આવનારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તેમજ સમાજનો ઉત્તરોઉત્તર વિકાસ થાય પરંતુ તે સમાવેશી બની રહી તે માટેની ભાવના વ્યક્ત કરી હતી. તેમજ પર્યાવરણનું જતન કઇ રીતે કરી શકાય તે માટે ના ઉપાયો સુચવ્યા હતા.
પુર્વ મંત્રી સી.ડી.પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આર્થિક અને સામાજીક વિકાસ કરવા માટે ક્યારેક વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે પરંતુ જેટલા વૃક્ષોનું નિકંદન થાય છે તેટલા જ નવા વૃક્ષો ઉછેરવામાં આવે તો આ વન મહોત્સવની ઉજવણી ખરા અર્થમાં સાર્થક થશે તેમજ આપણને હરિયાળુ વાતાવરણ મળી રહેશે.
આણંદ શહેરની એલીકોન ગ્રુપ કપંનીના સી.ઇ.ઓ. તરૂણાબેન પટેલ દ્વારા તાજેતરમાં જ તેમની કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ સીડ બોલ પ્રોજેક્ટ વિષે ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી તેમજ આ સીડ બોલથી ખેડુતોને થનારા ફાયદા વિશે માહિતગાર કર્યા હતા. તેમજ તેઓ ૧ કરોડ સીડ બોલ નું વિતરણ સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવાના છે તેવુ વિશેષમાં જણાવ્યુ હતુ તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને સીડ બોલના પેકેટ નું વિતરણ કર્યુ હતુ.
આ કાર્યક્રમની શરૂઆત કોલેજની વિધાર્થીનીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજુ કરીને કરવામાં આવી હતી.તેમજ આ કાર્યક્રમના પ્રારંભે આણંદ જિલ્લાની ભુતપુર્વ જીલ્લા ઇકો એમ્બેસડર કુ. નાઝમીના એચ. રાણા દ્વારા પ્રકૃતિના સંવર્ધન તેમજ સંરક્ષણ માટે અને વન સંરક્ષણ માટેના ઉપાયો સુચવવામાં આવ્યા હતા. આ વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને પર્યાવરણની જાળવણી તેમજ તેના સંરક્ષણ માટે તેમજ પોતાના ઘરઆંગણા, વાડા, ખેતર કે અન્ય સ્થળે વૃક્ષારોપણ કરવા માટેની હરિત શપથ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તરુ રથને વિધિવત પસાર કરાવવામાં આવ્યો હતો. તેમજ દરેક મહાનુભાવો દ્વારા ચંદનના એક એક વૃક્ષ રોપવામાં આવ્યા હતા.