એન્ટી મની લોન્ડરીંગ સેલની કાર્યવાહી, આરોપીઓ વિરુદ્ધ ઈ.ડી.ને કરાઈ દરખાસ્ત : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

30

રાજ્યમાં કાર્યરત એન્ટી મની લોન્ડરીંગ સેલ દ્વારા પ્રોહિબિશનના 5 ગુન્હાઓમાં 9 અને આર્થિક ગુન્હાઓના 2 કિસ્સાઓમાં કુલ 11 આરોપીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઈઓ હેઠળ તેઓની મિલકતો જપ્ત કરવા ગુન્હો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને દરખાસ્ત કરવામાં આવી હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

વિશ્વમાં બનતા નવા પ્રકારના ગુન્હાઓને નાથવા તથા તેની સામે કેવા પ્રકારના કાયદા ગઢવા જોઈએ તે અંગે જૂન-૧૯૯૮માં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મળેલ ખાસ સેશનમાં નક્કી થયા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ મને લોન્ડરીંગ એકટ 2002 ઘડવામાં આવ્યો હતો. જેનો અમલ વર્ષ 2005થી લાગુ કરવામાં આવેલ છે. આ કાયદાની જોગવાઈ અનુસાર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારી તપાસની કાર્યવાહી કરી શકે છે. વિવિધ પ્રકારના શિડ્યુલ ગુન્હાઓ જેવા કે IPC, નાર્કોટિક્સ એક્ટ, આર્મ્સ એક્ટ વગેરે આચરીને નાણાં મેળવે, પોતાના કબજામાં રાખે, તેને છુપાવે, તેનો ઉપયોગ કરે અથવા તે નાણાં કાયદેસર રીતે મેળવેલ હોવાનું દર્શાવે અથવા તેઓ પ્રયત્ન કરે તો મની લોન્ડરીંગ કાયદાની જોગવાઈ અનુસાર ગુન્હા માટે દોષિત ઠરે તો આ કાયદાની કલમ-૪ હેઠળ ત્રણથી સાત વર્ષ સુધી કેદની શિક્ષા તેમજ દંડ થઈ શકે છે. તેમજ આવા ગુન્હાઓ કરીને વસાવેલી તમામ મિલકતો પણ જપ્ત થવા પાત્ર છે.

ધારાસભ્ય દ્વારા ગૃહમાં પૂછવામાં આવેલ મની લોન્ડરીંગ સેલની કામગીરી વિશેના પ્રશ્નમાં પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી એ જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને કાળા નાળા ભેગા કરી તે નાણાને હવાલા કે અન્ય રીતે ધોળા નાણાં કરવાની પ્રવૃત્તિ કરે તો તે નાણાં તથા તેમાંથી વસાવેલી મિલકતો (સ્થાવર કે જંગમ) ટાંચમાં લેવા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને દરખાસ્ત કરવામાં આવે છે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના અધ્યક્ષ પદે કાર્યરત એન્ટી મની લોન્ડરીંગ સેલ દ્વારા રૂપિયા 20 લાખથી વધુ રકમના પ્રોહીબિશનના કેસમાં તેમજ આર્થિક ગુન્હાના અગત્યના કેસોમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઈઓ હેઠળ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને દરખાસ્ત કરવામાં આવે છે.

LEAVE A REPLY