કચ્છ: આંબલિયારા ગામે પ્રાથમિક શાળામાં ઓરડાની કમી ,શિક્ષકોની ઘટ અને હાઈસ્કૂલના મુદ્દે ગ્રામજનોએ કરી તાળા બંધી

New Update
કચ્છ: આંબલિયારા ગામે પ્રાથમિક શાળામાં ઓરડાની કમી ,શિક્ષકોની ઘટ અને હાઈસ્કૂલના મુદ્દે ગ્રામજનોએ કરી તાળા બંધી

કચ્છના ભચાઉ તાલુકાના આંબલિયારા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ઓરડાની કમી ,શિક્ષકોની ઘટ અને હાઈસ્કૂલના મુદ્દે ગ્રામજનોએ આજે વિરોધ નોંધાવી શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.

ભચાઉ તાલુકાના આંબલિયારા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૮ માં અગરિયાઓના ૧૨૫ મળી કુલ ૩૩૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ અહીં ઓરડાઓની કમી જોવા મળે છે.શાળામાં ત્રણ ઓરડાઓ જર્જરિત હાલતમાં છે માત્ર બે ઓરડામાં શાળા ચાલે છે તો શિક્ષકોની કમી છે.દરમિયાન ગત વર્ષે અહીં હાઈસ્કૂલ પણ મંજુર થઈ હતી પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

જેથી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી ગ્રામજનોએ ધરણા કર્યા હતા.બાળકોને શિક્ષણકાર્યથી દુર રાખી વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં સુધી તંત્ર લેખિત બાંહેધરી ન આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે..જો કે , શિક્ષણતંત્રના જવાબદારોએ આ મુદ્દે જણાવ્યું છે કે , હાઈસ્કૂલની માત્ર દરખાસ્ત થઈ છે હજી સરકાર તરફથી મંજૂરી મળી નથી તો શાળામાં એક શિક્ષકની ઘટ છે જ્યારે ઓરડા અંગે નાયબ કાર્યપાલક ઈજનેર સર્ટિફિકેટ આપે બાદમાં નવા બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે આ વચ્ચે બાળકોનું શિક્ષણકાર્ય આજે ખોટકાયું હતું તે હકીકત છે.