/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-8.jpg)
- જિલ્લાના મુખ્ય ૨૦ માંથી ૧૭ ડેમ કોરા કટ્ટ
- કચ્છમાં માત્ર બે ટકા પાણી
- પાણી વિના અહીંના ઢોર અને માનવીઓ ટળવળી રહ્યા છે
- કુદરત ખમીરવંતા કચ્છી માંડુઓની પરીક્ષા લઇ રહ્યું છે
કચ્છનું નામ પડતા જ સૌ ને રણોત્સવ યાદ આવે છે પરંતુ આજે કચ્છની સ્થિતિ એવી છે કે, છેવાડાના ગામોમાં પશુઓ અને કાળા માથાના માનવીઓ એક જ અવાડામાંથી પાણી પી રહ્યા છે.પાણીની એટલી હદે વિકટ તંગી છે કે, મહિલાઓને બે ઘડા પાણી ભરવા કિલોમીટર દૂર ચાલવું પડે છે.જિલ્લાના મુખ્ય ૨૦ માંથી ૧૭ ડેમ કોરા કટ્ટ છે જ્યારે બાકીનામાં નહિવત પાણી છે. ખુદ સરકારે કહ્યું છે, કચ્છમાં માત્ર બે ટકા પાણી છે
કચ્છમાં સરકાર દ્વારા નર્મદા નહેર મારફતે પાણી છોડવામાં આવે છે..આ પાણીના કારણે વાગડ વિસ્તારમાં પાણીની કમી સર્જાતી નથી. રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં કેનાલથી ભરપૂર પાણી પહોંચે છે બાદમાં અંજાર, ગાંધીધામ વિસ્તારમાં ટપપર કેનાલથી લોકોને પાણી મળે છે.ભુજની જો વાત કરીએ તો ભુજ નર્મદા આધારિત છે. હાલ પાણી મળતું હોઇ અવ્યવસ્થા સર્જાતી નથી.પરંતુ ભુજ તાલુકાના ગામોની જે વાત કરીએ તો, ખાવડા, બન્ની, પચ્છમ ના વિસ્તારમાં પાણીની એટલી વિકટ તંગી છે કે, લોકો કહે છે આની કરતા તો મરી જવું સારું. કુવા- તળાવો સુકાઈ ગયા છે.નર્મદાનું પાણી મળતું નથી. પાણી વિના અહીંના ઢોર અને માનવીઓ ટળવળી રહ્યા છે.
મહિલાઓને પીવા માટે બે ઘડા પાણી ભરવા દૂર સુધી જવું પડે છે અને નસીબ થાય છે દૂષિત પાણી.તો આ તરફ નખત્રાણા, માંડવી, મુન્દ્રા ના ગામોમાં પણ આવી પરિસ્થિતિ છે. સરહદને અડકીને આવેલા કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં સૌથી વિકટ પરિસ્થિતિ છે. અહીં પાણીના સ્ત્રોત ખૂટી પડ્યા છે. ભુજથી ટેન્કર મારફતે ૧૫૦ કિમિ દૂર લખપત માં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પહોંચાડાય છે.સરહદી તાલુકાઓ પાણી વિહોણા થવાથી અહીંથી લોકો હીજરત કરી રહ્યા છે.આટલી વિકટ પરિસ્થિતિ છેલ્લા ત્રણ દાયકામાં ક્યારેય નથી આવી. કચ્છ પર કુદરત રૂઠે એમાં કોને દોષ દેવો? ચોમાસામાં નહિવત વરસાદ બાદ દુકાળની સ્થિતિ , શિયાળામાં હાડ થીજવતી ઠંડી અને ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે પાણી મેળવવા માટે મારવા પડતા વલખા. કુદરત ખમીરવંતા કચ્છી માંડુઓની પરીક્ષા લઇ રહ્યું છે.