ગોધરા : શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના દ્વિતીય યુવક મહોત્સવ “સ્પંદન”નો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના દ્વિતીય યુવક મહોત્સવ-“સ્પંદન”નો ઉદઘાટન સમારંભ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે યુવક મહોત્સવો યુવાનોને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ, કૌશલ્યો અને કળાને અભિવ્યક્ત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરુ પાડે છે. વ્યક્તિત્વ વિકાસ માટે સૌથી અગત્યનો ગણાય તેવા આ તબક્કે જો યુવાનોને યોગ્ય પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે તો તેમાંથી સમાજને પ્રતિભાવાન કલાકારોની ભેટ મળી શકે તેમ છે. રાજ્યના યુવાધનના ભવિષ્યને ઉજળુ બનાવી શકે તેવી કોઈ પણ પ્રવૃતિ નાણાના અભાવે અટકી ન પડે તે માટે સરકાર કટિબધ્ધ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સર્વાંગી અને સતત વિકાસ માટે નવીનીકરણ અને સંશોધનને જીવનભર ચાલતા અભ્યાસક્રમો તરીકે લેવા જોઈએ. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી રાષ્ટ્રીય સ્તરની ઉત્તમ યુનિવર્સિટી બને તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકારે નવીન ભવન માટે બજેટમાં રૂા.૧૨૦ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે તેમજ ૩૫ જેટલી વહીવટી જગ્યાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.
યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ૧૪૨ જેટલી કોલેજોના ૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ જેમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેવો આ યુવક મહોત્સવ વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી ક્ષમતાઓને ઓળખવા, નિખારવા અને એક નવી ઉંચાઈએ લઈ જવામાં મદદ કરશે.
યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાલયો-મહાવિદ્યાલયો જ્ઞાનના તીર્થ છે. તેમણે યુવક મહોત્સવ જેવા કાર્યક્રમોના માધ્યમથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાના યુનિવર્સિટી અને પ્રાધ્યપકોના પ્રયાસની સરાહના કરતા જણાવ્યું હતું કે આ જિલ્લાઓના વિદ્યાર્થીઓ આજ્ઞાપાલન અને અનુશાસન માટે રાજ્યભરમાં વખણાય છે અને આ જ બાબત તેમને રમત-ગમત સહિતના ક્ષેત્રોમાં અગ્રેસર બનાવશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના મુખપત્ર ‘ઉપક્રમ’ તેમજ સ્મરણિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દાતાઓ દ્વારા યુનિવર્સિટી દ્વારા અપાતા ગોલ્ડ મેડલ્સ માટે પણ દાન આપવામાં આવ્યું હતું.
આ યુવક મહોત્સવના ઉદઘાટન સમારંભમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ સહિતના મહાનુભાવો અને આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.