જંબુસરઃ ઢાઢર નદી ઉપર બનતા રસ્તાનું કામ બંધ કરાવવા મંગણાંદ ગામના રહિશોની માંગ

New Update
જંબુસરઃ ઢાઢર નદી ઉપર બનતા રસ્તાનું કામ બંધ કરાવવા મંગણાંદ ગામના રહિશોની માંગ

જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં માટી ઘ્વારા પુરાણ કરી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. તે કામ અટકાવવા માટે મગણાંદ ગ્રામજનો અને અખિલ ભારતીય કિસાન સંઘ ઘ્વારા પ્રાંત અધિકારી-મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સહિત ગ્રામજનો આ વિરોધમાં જોડાયા હતા.

ગ્રામજનોએ મામલતદારને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં અજાણી કંપની ઘ્વારા માટી કામથી પુરાણ તથા રેતી, ઇંટના ટુકડા અને પથ્થરનો ઉપયોગ કરી ઢાઢર નદીમાં પુરાણ કરી રસ્તો બનાવવાનું કામ ચાલુ કરેલ છે, જે ભવિષ્યમાં આસપાસના ખેડૂતો માટે ગંભીર સમસ્યા બની શકે તેમ છે. આ કામથી પર્યાવરણને પણ ગંભીર નુકશાન થઇ શકે છે. ઢાઢર નદીની આસપાસ આવેલા ખેડૂતોની જમીનમાં ખુબ જ મોટા પાયે નુકશાન થવાની પણ સંભાવના છે. નદીમાં વસતા જળચર પ્રાણીઓના અસ્તિત્વ માટે મોટો ખતરો ઊભો થયો છે. નદીમાં માટીનો પાળો બાંધી પાણીને રોકી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. નદીમાં બનેલો પાળો તોડવામાં નહીં આવે તો ચોમાસુ સિઝનમાં આસપાસના ખેતરોમાં પાણીથી નુકશાન થવાની પુરી સંભાવના છે. ઢાઢર નદીને અડીને આવેલા ગામડાઓમાં પણ પાણી ભરાઈ જવાના એંધાણ વર્તાઈ રહયા છે.

ઢાઢર નદી પુરાણ કરતા પહેલા આસપાસના ગામોને સરકારી અધિકારીઓને કે ખેડૂતોને કોઈપણ રીતે જાણ કરવામાં આવી નથી તો આ બાબતે કાયદેસરના પગલાં લઇ ઘટતી કાર્યવાહી કરવા અને આ કામને અટકાવી ખેડૂતોને ન્યાય અપાવો અન્યથા ખેડૂત મિત્રો ગાંધીજી માર્ગે આંદોલન કરવા મજબૂર થશે તેમ આવેદન પત્રમાં જણાવ્યું હતું.

Latest Stories