વડોદરાના પાદરાની દુર્ઘટનાએ ગુજરાતમાં સર્જાયેલી બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓની દુઃખદ યાદને તાજી કરી દીધી છે. વર્ષ2022ની મોરબી બ્રિજ દુર્ઘટના હોય કે પછી 2021ની અમદાવાદની મુમતપુરા બ્રિજ દુર્ઘટના પાલનપુર માં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના પણ આવી જ ગોઝારી હતી.
વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો.આ પુલ1986માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો. વારંવાર રજૂઆત કરવા છતાં આ પુલની યોગ્ય મરામત કરવામાં આવી નહોતી. જેના પરિણામે આજે આ દુર્ઘટના સર્જાઈ અને અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે અને અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સાથે જ મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.
આ ઘટના બાદ એક વાત સાબિત થઈ છે કે ગુજરાતમાં પુલ તૂટવો એ સામાન્ય બની ગયું છે. ગુજરાતમાં અન્ય જગ્યાઓએ પણ આવી જ ગંભીર દુર્ઘટનાઓ બની ચુકી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પુલ તૂટી પડવાની પંદરથી વધુ ઘટનાઓ બની હોવાનું જાણવા મળ્યું છે.
# બ્રિજ દુર્ઘટનાની યાદી :
- વર્ષ2023માં પાલનપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા ત્રણ લોકોના મોત થયા હતા.
- વર્ષ2022માં રાજકોટમાં માધાપર ચોકડી પુલ તૂટી પડ્યો હતો.
- વર્ષ2021માં અમદાવાદમાં નિર્માણાધીન શાંતિપુરા મુમતપુરા બ્રિજ પર પણ આવી જ દુર્ઘટના બની હતી.
- મોરબીમાં બનેલી દુર્ઘટનાને આજ સુધી કોઈ ભુલાવી શક્યું નથી. મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા135ના મોત થયા હતા.
- વર્ષ2023માં વઢવાણના વસ્તડી ગામમાં પૂલ તૂટી પડ્યો હતો.
- જૂનાગઢના ધાંધુસરમાં જર્જરિત પુલ તૂટી પડ્યો હતો.
- 2020માં રાજકોટના આજીડેમ ચોકડી પાસે પુલ તૂટી પડ્યો હતો.
- 2019માં રાજકોટના સટોડક ગામ પુલ તૂટી પડ્યો હતો.
- સુરતમાં ફ્લાયઓવર દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.
આ ઉપરાંત લુણાવાડાના હાંડોડ ગામનો પુલ, ભરૂચમાં નંદેલાવ પુલ તૂટી પડ્યો હતો, વડોદરાના સિંધરોટ પાસે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી. તો મહેસાણામાં ઊંઝા હાઈવે નજીક પણ આવી જ દુર્ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સર્જાયેલી બ્રિજ હોનારતો બાદ પણ નિંદ્રાધીન સરકારી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કે કાર્યવાહીના અભાવે નિર્દોષ લોકો દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે. ભાજપ સરકાર કૃપાદ્રષ્ટિનો ત્યાગ કરીને ભોગ બનનારના પરિવાર તેમજ નાગરિકોને સાચો ન્યાય મળે તેવી કાર્યવાહીની માંગ પણ પ્રજાજનોમાં ઉઠવા પામી છે.