જોલવા ગામે મોબાઈલ શોપમાંથી ૧૧૩ મોબાઈલ અને રોકડની થઈ ચોરી

New Update
જોલવા ગામે મોબાઈલ શોપમાંથી ૧૧૩ મોબાઈલ અને રોકડની થઈ ચોરી

ભરૂચ જિલ્લાના ઔધોગિક હબ એવા દહેજ નજીક આવેલ જોલવા ગામ ખાતે તા.રપમીની રાત્રિના રોજ તસ્કરોએ મોબાઈલ શોપને નિશાન બનાવી હતી અને મોબાઈલ શોપના શટલના ડાબી તરફના નકુચાને તોડી તસ્કરો મોબાઈલ શોપમાં પ્રવેશી કુલ ૧૧૩ જુદી જુદી કંપનીના મોબાઈલોની ચોરી કરી હતી. એટલું જ નહીં પરંતુ રોકડા રૂ.૧.૩૦ લાખ કરતા વધુ મતાની ચોરી કરતા કુલ રૂ. ૧૩.૭૨ લાખ કરતા વધુની ચોરી કરી હતી. આ બનાવ અંગે દહેજ પોલીસ તપાસ કરી રહી છે.

જોલવા ખાતે રહેતા એવા આ બનાવના ફરિયાદી અને મોબાઈલ શોપના માલિક રઘુનાથસિંહ નારાયણસિંહ રાજપુરોહિતની પોલીસ ફરિયાદ મુજબ તેમની મોબાઈલ શોપ રોયલ કોમ્પલેક્ષ જોલવા ખાતે આવેલ છે. દુકાન નં.૩ માં આવેલ આ મોબાઈલ શોપનું નામ ગણેશ મોબાઈલ છે. જેમાં તા.૨૫-૭-૧૯ ના રાત્રીએ રઘુનાથસિહે રાત્રિના ૮.૩૦ કલાકના સમય અરસામા દુકાન બંધ કરી હતી જયારે ૨૬-૭-૧૯ ના સવારે ૭.૩૦ ના અરસામાં દુકાન ખોલવા આવતા દુકાનના શટરના ડાબી તરફનો નકુચો તૂટેલી હાલતમાં જણાયો હતો. ત્યારબાદ તપાસ કરતા કુલ ૧૧૩ નંગ જુદી જુદી કંપનીના મોબાઈલો ચોરાય ગયા હોવાનુ જણાયું હતું.

આ ઉપરાંત રૂ.૧.૩૦ લાખની મતા પણ ચોરાઈ હતી. ચોક્કસ વિગત જોતા મોબાઈલની કિંમત રૂ.૧૨,૪૧,૮૦૬ અને રોકડા રૂ.૧,૩૦,૨૦૨ મળી કુલ ટ.૧૩,૭૨,૭૦૮ ની મતાની ચોરી થઈ હતી. આટલી મોટી રકમ દુકાન ખાતે કેમ રખાઇ હતી તે એક તપાસનો વિષય છે. તો બીજીબાજુ મોબાઈલ શોપના માલિક રઘુનાથસિંહ પણ જોલવા ખાતે જ રહેતા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની તપાસ દહેજ પોલીસ કરી રહી છે.