નવસારીમાં જોખમી કેમીકલ વેસ્ટ નિકાલ કૌભાંડમાં જવાબદાર ઉદ્યોગ સામે ફરિયાદ નોંધાવતું જીપીસીબી

New Update
નવસારીમાં જોખમી કેમીકલ વેસ્ટ નિકાલ કૌભાંડમાં જવાબદાર ઉદ્યોગ સામે ફરિયાદ નોંધાવતું જીપીસીબી

અંકલેશ્વર માંથી બેજવાબદાર ઉદ્યોગ દ્વારા તારીખ 10મીની રાત્રીએ કેમીકલ વેસ્ટનો નિકાલ કરવા માટે જોખમી ઔદ્યોગિક કચરો ડ્રમમાં ભરીને નવસારી ખાતે મોકલ્યો હતો, પરંતુ ત્યાં અચાનક એક ડ્રમ ફાટતા ટ્રક ચાલક સહિત ત્રણને ઝેરી ગેસની તીવ્ર અસર થઇ હતી, અને ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતુ, જ્યારે બેને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

ઘટના સંદર્ભે અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમનાં અધિકારી દ્વારા સ્ટ્રાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને વાક્પતિ કેમિકલ સહિત બે ઈસમો સામે પોલીસ ફરિયાદ દર્જ કરાવી છે.

જીપીસીબીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર નવસારી વેસ્મા ખાતે ઇંટોના ભઠ્ઠામાં જોખમી જવલનશીલ કેમીકલ વેસ્ટ મોકલવામાં સ્ટ્રાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને વાક્પતિ કેમીકલની સંડોવણી ભાર આવી હતી. તેથી જીપીસીબી દ્વારા સ્ટ્રાઈડ ઇન્ડસ્ટ્રીઝનાં ગોડાઉન પર સર્ચ કરવામાં આવતા તેમાંથી મોટી માત્રામાં સ્પેન્ટ સોલવન્ટ, સોલવન્ટ રેસિડયુ, ઇન્ટર મીડિએટસ પ્રોડક્ટ, સ્લજ, એસિડિક વેસ્ટ સહિતનાં જોખમી જવલનશીલ મટિરિયલનો જથ્થો મળી આવ્યો હતો.

જીપીસીબીના પ્રાદેશિક અધિકારી દ્વારા ગોડાઉન ભાડે રાખીને જોખમી જવલનશીલ હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરીને તથા હેરાફેરી માટે રાખવા અંગેની જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેઓની ફરિયાદને આધારે જવાબદાર ઉદ્યોગકાર મહેશ અઢિયા, દિલીપ પટેલ, જીતુ પટેલ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનામાં કેમીકલ માફિયા મહંમદ ચિકનાની નવસારી વેસ્મા પોલીસે અટકાયત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.