પંચમહાલ : ગોધરા નજીક નર્મદા કેનાલમાં મારુતિ વાન ખાબકી, વાનચલાકનો આબાદ બચાવ

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના છેવાડેથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ પસાર થાય છે. આ નર્મદા કેનાલ હાલ પાણીથી છલોછલ ભરેલી છે. ત્યારે બપોરના સમયે એક મારુતી વાન પસાર થતી હતી તે દરમ્યાન ચાલકે તેના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મારુતિ વાન સીધી નર્મદા કેનાલમાં ખાબકી હતી. જો કે નવાઈની વાત એ છે કે, કારચાલક જાતે ગાડીમાંથી બહાર નીકળીને કિનારા ઉપર આવવાનો પ્રયત્ન કર્યો હતો.
સમગ્ર બનાવની જાણ થતાં નજીકથી પસાર થતા રાહદારીઓ પાણીમાં પડેલ યુવાનને બચાવવા માટે કેનાલ પાસે દોડી આવ્યા હતા. પાણીમાં ગરક યુવાન કેનાલના કિનારા નજીક આવી જતા એક યુવાને પોતાનો શર્ટ ઉતારી દોરડાની જેમ લંબાવી તેને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અન્ય યુવાનો પણ એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ બનાવી આ વાનચાલકને આખરે સહી સલામત બહાર કાઢ્યો હતો. પરંતુ વાનચાલકની કાર નજર સામે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.