/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/1.png)
અંકલેશ્વર ને.હા.નં 8 ને અડીને આવેલ અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાં જીમખાના ની આડમાં ચાલતા જુગારધામ ઝડપાયા બાદ પોલીસે વાહનો તેમજ રોકડ સહિત કુલ રૂપિયા 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને ચાર સંચાલકો સહિત 87 આરોપીઓની ધરપકડ કરી છે.
પાનોલીમાં લેન્ડ માર્ક હોટલની પાછળના ભાગમાં આવેલ બિલ્ડીંગમાં સ્નેહ જીમખાના પ્રા.લી નામથી જીમખાનું આવેલુ છે. પરંતુ જીમખાનાની આડમાં જુગારધામ ધમધમી રહ્યુ હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભરૂચ એલસીબી તેમજ અંકલેશ્વર તાલુકા સહિત પોલીસની જુદી જુદી ટીમોએ દરોડા પાડયા હતા.
જુગાર રમવામાં મસ્ત બનેલા જુગારીયાઓએ અચાનક પોલીસની રેડ થી હેબતાઈ ગયા હતા. પોલીસે ઘટનામાં જીમખાનામાં જુગાર ચલાવતા નઇમ હુસેન કોન્ટ્રાકટર, સિદ્દીકી ઇસ્માઇલ પટેલ, ઇમરાન ખાન હુસેનખાન પઠાણ, દિપક કિશોરચંદ્ર ગોહિલ સહિત 87 જેટલા જુગારીયાઓ ની ધરપકડ કરી છે.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પી આઈ પી.જે.નરવાડે એ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે જુદી જુદી ગાડીઓમાં ટોકન લઈને જુગાર ધામના માણસો ફરતા હતા અને જુગાર રમવા માટે રોકડના બદલામાં ટોકન આપીને જીમખાનામાં જુગાર રમવા માટે મોકલતા હતા.
પોલીસે રોકડના બદલામાં આપવામાં આવતા કોઈનમાં 20000, 10000, 5000, 2000, 1000, 500, 200, 100, 50, 20, 10 અને 5 સહિતના ટોકન પણ કબ્જે કર્યા છે. હાલમાં પણ ઘટના અંગે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ 17 કાર, 14 ટુ વ્હીલર તેમજ 1 ઓટો રિક્ષા જપ્ત કરી છે. જેમાં કુલ 30 વાહનો મળીને રૂપિયા 76.80 લાખ, આરોપીઓની અંગ ઝડતીમાં મળી આવેલ રોકડ રૂપિયા 2,44,924, કોઈન રિપ્લેસ કરેલ રોકડ 78,960 મળીને કુલ રૂપિયા 80,03,844નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથધરી છે.