ભરૂચમાં સવારે ધોધમાર વરસાદ : બપોર બાદ વધ્યો ઉકળાટ

New Update
ભરૂચમાં સવારે ધોધમાર વરસાદ : બપોર બાદ વધ્યો ઉકળાટ

ભરૂચમાં મોડે–મોડે ચોમાસું ચાલુ થયું હોય એમ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. બપોર સુધીમાં સવાઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરની સોસાયટીઓમાં અને મુખ્યમાર્ગો પર પાણી ભરાયા હતા. જાકે બપોર બાદ આકાશ ખુલ્લું થઈ જતા આકરા તાપ અને ઉકળાટમાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા.

ભરૂચમાં છેલ્લા કેટલાય દિવસથી ઘેરાયેલા વાદળો વરસતા ન હતા. રોજ ઘેરાયેલા વાદળો વરસ્યા વિનાજ જતા રહેતા હતા. વચ્ચે એકાદ બે વખત વરસાદી ઝાપટાં ભરૂચને નસીબ થયા હતા. સમયસર વરસાદ શરૂ ન થતા ખેડૂત સહિત લોકોના માથે ચિંતાના વાદળો પણ ઘેરાયેલા હતા. જાકે મંગળવારની સવારે ભરૂચમાં ધોધમાર વરસાદ ખાબકતાં લોકોની આશાઓ થોડી બંધાઈ હતી. ચોમાસું ચાલુ થાય તેવી અશાઓ બંધાઈ હતી જેમાં સૌથી વધુ નેત્રંગમાં ૪૦ મી.મી.જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે સૌથી ઓછો વાલિયામાં બે મી.મી. જેટલો નોંધાયો હતો. ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચમાં ૩પ મી.મી. એટલેકે સવારથી બપોર સુધીમાં આશરે ૧.રપ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઇ ભરૂચ તરબોળ થયું હતું. અંકલેશ્વરમાં ૧૮ મી.મી. હાંસોટમાં ૧૩ મી.મી., જંબુસરમાં રપ મી.મી. તથા ઝઘડીયામાં ૧૬ મી.મી. જેટલો વરસાદ સવારથી બપોર સુધીમાં નોંધાયો હતો.

સવારથી બપોર સુધીમાં વરસાદ ખાબકતા ખેડૂતો સહિત લોકોને સાચા અર્થમાં ચોમાસું જામ્યું હોવાનો અહેસાસ થયો હતો. જાકે બપોર થવા સુધીમાં આ આશા ઠગારી નીવડી હતી. બપોરે ઘેરાયેલા વાદળો વેરાઇ જતાં આકરા તાપ અને ઉકળાટની શરૂઆત થઈ હતી. મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી હોવા છતાં પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકાએ પહોંચતા લોકોએ તાપની સાથે આકરા ઉકળાટનો સામનો કરવો પડયો હતો. હવાની ઝડપ પણ ૧૧ કિ.મી. જેટલી મંદ પડી જતા પરસેવાથી લોકો રેબઝેબ થયા હતા.