Top
Connect Gujarat

ભરૂચ : વાલિયા ગામે બોર મોટરનું વીજ કનેક્શન કાપી પાણી પુરવઠો બંધ કરી લોકોને હેરાન પરેશાન કરતા અજાણ્યા શખ્સો

ભરૂચ : વાલિયા ગામે બોર મોટરનું વીજ કનેક્શન કાપી પાણી પુરવઠો બંધ કરી લોકોને હેરાન પરેશાન કરતા અજાણ્યા શખ્સો
X

ભરૂચ તાલુકાના વાલિયા ગામ ખાતે ગ્રામ પંચાયતના બોર મોટરના વીજ કનેક્શનને અજાણ્યા શખ્સો દ્વારા વારંવાર કાપી નાખવામાં આવે છે. આ વીજ કનેક્શન કાપી નાંખવાથી પાણી પુરવઠો પણ અનિયમિત થઈ જવાની લોકોએ ગ્રામ પંચાયત કચેરીમાં ફરિયાદ કરી હતી. વારંવાર આ પ્રકારના કૃત્યથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. જેનાથી આખરે ગ્રામજનોએ પોલીસનો સહારો લેવાની ફરજ પડી હતી. ત્રસ્ત ગ્રામજનોએ વાલિયા પોલીસ મથકમાં પોતાને આ પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી.

ભરૂચના વાલિયા ગામ વિસ્તારની હદમાં આવેલ મહિલા કોલેજ નજીક અનીલ ભગતની વાડી પાછળ વાલિયા ગ્રામ પંચાયતના પાણી માટેના બે બોર મુકવામાં આવ્યા છે. જ્યાં છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યા શખ્સો દ્વારા આ બોરના વીજ જોડાણના કનેક્શન અને ફ્યુઝ કાઢી નાખવામાં આવે છે. જેને પગલે ગામમાં અપાતો પાણી પુરવઠો અનિયમિત થઈ જાય છે. આ પ્રકારે ગ્રામજનોને હેરાન કરવામાં આવી રહ્યું હોવાનું સરપંચ ગોરધન વસાવાના ધ્યાન પર આવ્યું હતું. તો વારંવાર વીજ કનેક્શન કાપી હેરાન થતાં ગ્રામજનોએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાલિયા પોલીસ મથકે અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા અનેક સુયોજનાઓ અમલમાં લાવવામાં આવે છે. ગ્રામજનો તેમજ ખેડૂતો સરકારની નીતિ સામે નહીં પરંતુ આવા ટિકણખોરી કરતા શખ્સોથી તોબા પોકારી ઉઠ્યા છે. તો વહેલી તકે અજાણ્યા શખ્સોને ઝડપી જેલ ભેગા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story
Share it