/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/bhuj-e1561267449774.jpg)
ભુજના શેખપીર પાસે ગત મધરાત્રે ટ્રકચાલકને છરી મારીને લિગ્નાઈટ ભરેલી ટ્રક લૂંટી જવાનો બનાવ બન્યો હતો.પોલીસે તરત જ એક્શનમાં આવી મહિલા અને કિશોર સહિત પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે
આ ઘટનામાં ભોગ બનનાર નખત્રાણાના કોટડા જડોદરના માવજી મેરીયાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તે અને તેનો ભત્રીજો કરસન મેરીયા બેઉ જણાં લિગ્નાઈટ ભરેલી બે જુદી-જુદી ટ્રકનું ડ્રાઈવીંગ કરે છે. ગઈકાલે તેઓ ટ્રક લઈ માતાના મઢથી ધ્રાંગધ્રા જવા નીકળ્યા હતા મધરાત્રે શેખપીર પાસે આવેલી પૂનમ હોટેલ પાસે તેઓ ચા-પાણી કરવા રોકાયાં હતા. બાદમાં માવજીનો ભત્રીજો ટ્રક લઈ નીકળી ગયો હતો.
માવજી પણ તેની પાછળ ટ્રક લઈ નીકળ્યો હતો કે રસ્તામાં અચાનક એક ઑટોરીક્ષા ફિલ્મી ઢબે તેની ટ્રક આગળ આવીને ઉભી રહી હતી. રીક્ષામાંથી એક મહિલા સહિત પાંચ આરોપીઓ બહાર નીકળ્યાં હતા. બે જણ સીધા ડ્રાઈવર કેબિનમાં ચઢી આવ્યાં હતા. એક જણે માવજીના પેટમાં છરી ઘુસાડી દેવા પ્રયાસ કર્યો હતો પણ માવજીએ હાથ આડો કરી દેતાં છરી તેને જમણા હાથની હથેળી અને આંગળીમાં વાગી હતી.
ગભરાઈ ગયેલા માવજીએ ટ્રકમાંથી નીચે ઉતરીને સીધી વાડી વિસ્તારમાં દોટ મુકી હતી. માવજીના નાસી ગયા બાદ આરોપીઓ ટ્રક લઈ ફરાર થઈ ગયા હતા. બાદમાં બંને હોસ્પિટલ જતા હતા ત્યારે રસ્તામાં અધવચ્ચે પોલીસ મળી જતાં તેમણે આ બનાવની જાણ કરી હતી.
જેથી પોલીસે નાકાબંધી ગોઠવી હતી અને નાઈટ પેટ્રોલિંગમાં લૂંટાયેલી ટ્રક ભુજીયાની તળેટીમાં પડી હોવાની માહિતી મળતાં પોલીસ ત્યાં દોડી ગઈ હતી. પોલીસે નજીકમાં રહેતી મુમતાઝ, તેના પતિ ઈમરાન મામદ આરબ, રહીમ કાસમ આરબ અને એક 16 વર્ષિય કિશોર તેમજ ઈસ્માઈલ ઊર્ફે રઘુડા કુંભારને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા રિમાન્ડની માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.