/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/modi-v-pic.png)
ઉરી એટેક બાદ લોકો દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલા લેવા માટે માંગ ઉઠી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવા માટે એક ખાસ બેઠક બોલાવી હતી.
જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ફોરેન સેક્રેટરી એસ.જયશંકર પણ હાજર રહ્યા હતા. બેઠકમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે ઉભી થયેલી તણાવભરી સ્થિતીમાં સિંધુ જળ સંધિ રદ કરવી કે નહી અને તેના ફાયદા તેમજ નૂકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
થોડા દિવસ અગાઉ જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે આ પ્રકારના કરાર માટે પરસ્પર સહયોગ અને વિશ્વાસ હોવો જરૂરી છે. તે એકતરફી ન હોઇ શકે. સ્વરૂપના આ નિવેદન બાદ સિંધુ જળ સંધિને રદ કરવા અંગેની ચર્ચાઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સંધિ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વબેંકની મધ્યસ્થતાથી કરવામાં આવી હતી. આ સંધિ મુજબ ભારતનો અંકુશ બિયાઝ, રાવી અને સતલુજ નદીઓ પર છે. જ્યારે પાકિસ્તાન સિંધુ, ચિનાબ અને ઝેલમ પર અંકુશ ધરાવે છે.