વડોદરા: ઝાડા-ઉલટીના કારણે ૧નું મોત, પાંચ મહિનામાં તાવના ૧૧ હજાર કેસ નોંધાયા

New Update
વડોદરા: ઝાડા-ઉલટીના કારણે ૧નું મોત, પાંચ મહિનામાં તાવના ૧૧ હજાર કેસ નોંધાયા

હાલ વેકેશનના માહોલ વચ્ચે વડોદરા શહેર રોગચાળાના હવાલે થયુ છે. દરેક ઘરમાં એક એક દર્દી જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મચ્છર અને પાણી જન્ય રોગ વકરવા પામ્યા છે.

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીના કારણે એક આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા જાન્યુઆરીથી મે મહિના સુધીમાં ૧૦.૪૨ લાખ ઘરનો રોગચાળા સંદર્ભે સર્વ કરાયો હતો. આ સર્વે દરમિયાન સૌથી વધુ ૧૦,૯૦૩ કેસ તાવના નોંધાયા હતા. તાવ એ મચ્છરજન્ય રોગચાળો છે અને વડોદરા મચ્છર નગરી તરીકે પંકાયેલી છે. જે બાદ કમળાના દર્દીઓની સંખ્યા જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ચોપડા પર માત્ર ૧૬૦ જ બતાવાઇ છે. હકિકતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા દવાખાનાઓ કમળાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે અને એક અંદાજ મુજબ છેલ્લા પાંચ મહિનામાં વડોદરામાં કમળાના ૨૦૦૦થી વધુ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે.

જે બાદ આ પાંચ મહિનામાં ઝાડા ઉલ્ટીના પણ ૫,૮૮૧ કેસ સરકારી ચોપડે નોંધાઇ ચુક્યા છે કમળો અને ઝાડા ઉલટી બન્ને દુષીત પાણીના કારણે થતા રોગ છે. તાજેતરમાં જ નિમેટ ફિલ્ટર પ્લાન્ટમાં અત્યંત ગંદકી અને કાદવ કિચડ હોવાનું કૌભાંડ બહાર આવ્યુ છે. જે સાબીત કરે છે કે કોર્પોરેશન શહેરીજનોને શુધ્ધ પીવાના પાણીના નામે પ્રદુષીત પાણી આપી રહ્યુ હતું. દરમિયાન ગંદા પાણીના કારણે વકરેલા ઝાડા ઉલટીનો ભોગ બનેલા ફતેપુરા વિસ્તારમાં રહેતા રાજુભાઇ પ્રતાપભાઇ જાદવ (ઉ.૫૪) કાલે એસ.એસ.જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.

Latest Stories