Connect Gujarat
ગુજરાત

વડોદરા મહાનગર સેવા સદનના મેનેજમેન્ટના અભાવે શહેરમાં ઉભી થઇ પાણીની સમસ્યા

વડોદરા મહાનગર સેવા સદનના મેનેજમેન્ટના અભાવે શહેરમાં ઉભી થઇ પાણીની સમસ્યા
X

  • વડોદરા કોર્પોરેશન પાસે પાણીનો જથ્થો પુરતો છે
  • યોગ્ય મેનેજમેન્ટના અભાવને કારણે પાણીની મુશ્કેલી

વડોદરા મહાનગર સેવા સદન પાસે શહેરીજનોને પાણી પૂરું પાડવા માટેનો જથ્થો પુરતો છે. પરંતુ, મેનેજમેન્ટના અભાવને કારણે શહેરમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. આજે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા)ની મળેલી 240મી બોર્ડ મિટીંગમાં વુડાના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.વુડાના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન પાસે પાણીનો જથ્થો પુરતો છે. કોર્પોરેશનમાં સમાવિષ્ઠ ગામોને પણ પાણી આપવામાં આવે તો પણ પુરતો જથ્થો છે. પરંતુ, યોગ્ય મેનેજમેન્ટના અભાવને કારણે પાણીની મુશ્કેલી પડી રહી છે. વાલ્વ લિકેઝ થવાના કારણે તેમજ પાણીની લાઇનો લીકેજ થવાના કારણે પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. આગામી દોઢ વર્ષમાં મહિનદીના પાણીનો સ્ત્રોત વધ્યા બાદ પાણીની મુશ્કેલી પડશે નહિં. તે સમયે આજવા સરોવર ઉપર પણ મદાર રાખવો નહિં પડે.

આજે વુડાની 240મી બોર્ડ મિટીંગ મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પન્નાબહેન ભટ્ટ સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ મિટીંગમાં અંકોડીયાથી તરસાલી સુધી 75 મિટરનો રીંગ રોડ બનાવવામાં આવશે. આ સાથે ભાયલી ખાતે વુડાની જમીનમાં રૂપિયા 35 કરોડના ખર્ચે વડોદરા મહાનગર સેવા સદન અને વુડાની ભાગીદારીમાં 45 એમ.એલ.ડી. ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. જેમાં 50 ટકા રકમ વુડા દ્વારા કાઢવામાં આવશે. તેમ ચેરમેને જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં એર-પોલ્યુશન ઝોન નક્કી કરેલા છે. ક્રેડાઇ દ્વારા આ ઝોન દૂર કરવા માટે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી છે. જે રજૂઆતોને ધ્યાનમાં લઇ પુનઃ એન.આઇ.ઓ.એચ. દ્વારા સર્વે કરાવવામાં આવશે. તે બાદ એર-પોલ્યુશન ઝોન દૂર કરવામાં આવશે. વર્ષો પૂર્વે વડોદરામાં અનેક ઉદ્યોગો હતા. આથી એર-પોલ્યુશન ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. એર-પોલ્યુશન ઝોનમાં બાંધકામ માટેના નિયમો લાદેલા છે. પરંતુ, હવે ઉદ્યોગો શહેરની બહાર થઇ ગયા છે.

વુડાના ચેરમેને વધુમાં જણાવ્યું કે, આજની બેઠકમાં બીલ અને ચાપડ, કોયલી, ઉંડેરા અને અંકોડીયા એમ પાંચ ગામની જમીનમાં ટી.પી. સ્કીમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ભાયલી અને સેવાસી ગામની ટી.પી. સ્કીમોમાં આર્થિક રતી નબળાં લોકો માટે અનામત રાખેલ જગ્યાઓ પૈકી 9 ફાઇનલ પ્લોટોમાં રૂપિયા 161 કરોડના ખર્ચે 1792 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવશે. આ ઉપરાંત વુડા વિસ્તારમાં વિકાસલક્ષી કામો માટે નિર્ણયો લેવામાં આવ્યા છે.

Next Story
Share it