/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/valsad.jpg)
ગુજરાતમાં દારૂબંધીનાં કડક અમલ માટે દારૂના અડ્ડાઓ પર છાપો મારવાની સરકારની સૂચના બાદ ઠેર ઠેર પોલીસતંત્ર દ્વારા રેઇડ કરી દારૂનો જંગી જથ્થો ઝડપવા કવાયત હાથ ધરી છે. ત્યારે, વાપી ટાઉન પોલીસે એક ટ્રકમાંથી 19,18,800 રૂપિયાનો દમણિયો દારૂ અને ટ્રક મળી કુલ 29,40,050 રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂબંધીના કડક અમલ માટે રાજ્યભરમાં પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. દમણ, મહારાષ્ટ્ર, સેલવાસમાંથી ગુજરાતમાં ઠલવાઇ રહેલા ગેરકાયદેસર દારૂ માટે ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ શરૂ કરાયું છે. જે અંતર્ગત વાપી ટાઉન પોલીસ મથકના PSI સહિતની ટીમ વાપી નજીક મોરાઈ ફાટક પર પેટ્રોલિંગમાં હતી ત્યારે, બાતમી આધારે જામનગર પાસિંગની એક ટ્રક નંબર GJ-10-V-5885 ને રોકી તલાશી લેતા ટ્રકમાં નિમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના કોથળાની આડમાં છુપાવેલ દમણિયા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ભરેલ ટ્રક સાથે જામનગર ઓખાના રહીશ હરીશ માધા ગોહેલ અને જામનગરના રહીશ ઉમર નાથુ ચાંડપાની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં આ લાખો રૂપિયાનો દારૂ દમણના વિષ્ણુ નામના ઇસમે ભરાવ્યો હોવાની વિગતો મળી છે. ટ્રકમાં નિમાં પ્લાસ્ટિકના 6250 કિલોગ્રામ વજનના 250 નંગ કોથળામાં 624 બોક્સમાં 24480 બોટલ દારૂ છુપાવવામાં આવ્યો હતો. પકડાયેલ દમણિયા દારૂમાં રોયલ ડિસ્ટીલરી, એમ્પિયર બ્લુ વ્હિસ્કી, કાર્લ્સબર્ગ અને ટ્યુબર્ગ બીયર મળી કુલ 19,18,800 રૂપિયાનો દારૂ અને 10 લાખની ટ્રક, 18750નો પ્લાસ્ટિક સ્ક્રેપ મળી કુલ 29,40,050 રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી છે.