વાગરાના પખાજણ ગામની સીમમાંથી ONGCના વેલમાંથી ડીઝલ ચોરીમાં ત્રણ ઝડપાયા

ભરુચ એસઓજી પોલીસે ડીઝલનો જથ્થો, ટેમ્પો અને પ્લાસ્ટિકના કારબા મળીને કુલ રૂપિયા 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ ગામની સીમમાં આવેલ ONGCના વેલમાંથી ડીઝલ ચોરીના ગુનામાં ત્રણ આરપીઓની એસઓજી પોલીસે ધરપકડ કરીને રૂપિયા 2.17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વાગરા તાલુકાના ફિલ્ડમાં પથરાયેલી ONGCની ક્રૂડ ઓઈલની પાઈપલાઈન તેમજ વેલ માંથી ક્રૂડ ચોરીને અટકાવવા માટે ભરૂચ એસઓજી પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યુ હતુ. જેમાં વાગરાના પખાજણ ગામની સીમમાં આવેલ વેલ નંબર 345ની રિંગ માંથી ડીઝલ ચોરીને અંજામ આપીને એક છોટાહાથી ટેમ્પામાં પ્લાસ્ટિકના કારબામાં ડીઝલનો જથ્થો ચોરીને લઇ જવામાં આવતો હતો.
જે ટેમ્પો એસઓજી પોલીસે ઝડપી લઈને પુછપરછ કરતા ટેમ્પામાં સવાર હિફઝુલ રહેમાન યાકુબ પટેલ, રસીદ અહમદ પટેલ, અને શબ્બીર ઇસ્માઇલ પટેલ ત્રણેય રહે આછોદ ગામ, આમોદ તાલુકાનાઓ એ ONGC વેલની રિંગ માંથી ડીઝલ ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે ત્રણેયની ધરપકડની સાથે છોટા હાથી ટેમ્પો,પ્લાસ્ટિકના કારબા નંગ 6 તથા ચોરી કરીને બેરલમાં ભરેલ ડીઝલનો જથ્થો 640 લીટર તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2,17,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગેની ફરિયાદ વાગરા પોલીસ મથક ખાતે દર્જ કરવામાં આવી છે અને આરપીઓ ના ગુનાહિત ભૂતકાળ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે ત્રણ આરોપીઓ પૈકી રસીદ અહમદ પટેલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી હોવાનું પણ બહાર આવ્યુ છે.
અત્રે નોંધવુ ઘટે કે પખાજણની સીમમાં આવેલ ONGC વેલ નંબર 345માં ક્રૂડ ઓઇલની ચોરી દરમિયાન આગ લગતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.