વાયુ સામે સાવચેતી : રાજ્યમાં ૧૦ જિલ્લાની કુલ ૫૯૫૦ ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ

New Update
વાયુ સામે સાવચેતી : રાજ્યમાં ૧૦ જિલ્લાની કુલ ૫૯૫૦ ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ

લોકો માટે ૧૦ લાખથી વધુ ફુડ પેકેટ તૈયાર કરાયા, હાલ વાયુ વાવાઝોડાને પગલે કોઈ જાનહાનિ નહીં, સૌરાષ્ટ્રના વિવિધ પોર્ટ ઉપર ૯ નંબરનું સિગ્નલ યથાવત

ગુજરાત રાજયમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લી ઘડીએ વાયુ વાવાઝોડું વેરાવળથી ૧૧૦ કિમીની ઝડપથી દક્ષિણથી પશ્ચિમ તરફ પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ૧૫૦ કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે. સાવચેતીના પગલારૂપે ૧૦ જિલ્લામાંથી ૩.૭૦ લાખથી વધુ લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેમાં લગભગ ૧૦ જિલ્લાની ફુલ ૫૯૫૦ ગર્ભવતી મહિલાઓને ૩૮૩ એમ્બ્યુલન્સ સેવાના માધ્યમથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

વધુમાં ભાવનગરના કલેક્ટર હર્ષદ પટેલ દ્વારા ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડાના કારણે ગઇકાલે રાત્રિ દરમિયાન ૧૫ ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ હતી. જેમાંથી ૪ મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો.

આમ જોઈએ તો, વાયુ વાવાઝોડું ભયજનક હોવાથી સરકારે આપેલું એલર્ટ હજુ પણ યથાવત રાખવામા આવ્યું છે. અલગ અલગ જગ્યાએથી સ્થળાંતર થયેલા લોકો વિવિધ આશ્રય સ્થાનોમાં રહ્યાં હોવાથી તેઓને ત્યાં જ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. વાયુ વાવાઝોડા સામે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી જનસેવા માટેની વ્યવસ્થા યથાવત જ રહેશે.

રાજયમાં વાયુ વાવાઝોડાથી પ્રભાવિત ૧૦ જેટલા જિલ્લાઓમાં સદનસીબે એક પણ જાનહાનિ થઈ નથી. વરસાદની વર્તમાન પરિસ્થિતી અંગે બાયસેગના સચિવે જણાવ્યું હતું કે, જે ગામડાઓમાં વીજ વાયરથી વિસ્ફોટો થયા છે, તેવા તમામ ગામડાંઓમાં બપોર બાદ વીજ પ્રવાહ મળી રહેશે. તેમજ હાલ માંગરોળ, વેરાવળ સહિત સાતથી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાયુ વાવાઝોડાના સંકટ સામે તમામ પોર્ટ ઉપર આપવામાં આવેલું ૯ નંબરનું સિગ્નલ યથાવત રાખવામા આવ્યું છે. તેમજ સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ પણ બંધ કરી રાખવામાં આવ્યા છે.