Connect Gujarat
ગુજરાત

વિશ્વનું પહેલું એવું ઓસારાનું "વિશ્વશાંતિ મહાકાળી મંદિર" કે જયાં તપ એકત્રિત  થાય છે પૈસા નહીં

વિશ્વનું પહેલું એવું ઓસારાનું વિશ્વશાંતિ મહાકાળી મંદિર કે જયાં તપ એકત્રિત  થાય છે પૈસા નહીં
X

ભરૂચનું ઓસારા મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આમ તો સામાન્ય દિવસોમાં મંદિર માત્ર મંગળવારે જ ખુલે છે, પરંતુ આસો નવરાત્રીનાં નવ દિવસ માઈ ભક્તોનું દર્શન અર્થે ઘોડાપુર ઉમટે છે.

ભરૂચ શહેરથી અંદાજીત ૧૬ કિલોમીટરનાં અંતરે આવેલું ઓસારા ગામનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક છે, અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂર થી પદયાત્રા કરીને પણ આવે છે.પૂ. મહાકાળી માની પ્રેરણાથી પૂ. માનગુરૂજી એ તા: ૨૮-૧૦-૧૯૮૪ ના રોજ ઓસારા ગામની બ્લોક નંબર ૧૨૨/૧૨૩ ની જમીન કે જે વજુભાઇ પી. ભીમાણીએ દાનમાં આપેલ હતી તેની પર "વિશ્વશાંતિ મહાકાળી મંદિર" બાંધવા માટે ખાતમુહૂર્ત કયુઁ હતું. વિશ્વશાંતિ માટે ઓસારામાં પ.પૂ "માન"સદગુરૂએ પૂ. મહાકાળીમાનું કઠિન તપ કરી, રીઝવી, વચન માંગી, તપ દ્વારા જ વિશ્વશાંતિ થશેની ખાતરી થતાં એક મંદિર બનાવ્યું છે જેનું નામ જ "વિશ્વશાંતિ મહાકાળી મંદિર" રાખ્યું છે. જયાં "તપ" એકત્રિત થાય છે, પૈસા નહીં.

જાણવા મળ્યા મુજબ આ મંદિરની સ્થાપના ૧૯૭૬ માં માનબાપુ એ કરી હતી હાલમાં તેઓના વંશજો દ્વારા મંદિરમાં પૂજા અર્ચના તેમજ સેવા કરવામાં આવે છે. કહેવાય છે કે દર મંગળવારે પાવાગઢ થી મહાકાળી માતાજી ઓસારા પધારે છે તેવી લોક માન્યતા છે. તેથી આ દિવસે માતાજીના દર્શન અર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.આ મંદિરમાં સેવા પુજા કરતા રમીલાબેને જણાવ્યુ હતુ કે જે ભક્તો મહાકાળી માતામાં શ્રદ્ધા રાખીને દર્શન અર્થે આવે છે તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે, અને દુખીથાઓનાં દુઃખ માતાજીના દર્શન માત્રથી દૂર થતા હોવાની શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે. આ ઉપરાંત મંગળવારનું વ્રત કરીને પણ શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લિન બને છે.

માત્ર ભરૂચ જ નહિ પરંતુ સમગ્ર રાજ્યભર માંથી ભક્તો ઓસારા તીર્થભૂમિ પર બિરાજમાન મહાકાળી માતાનાં દર્શન અર્થે આવીને માતાની ભક્તિમાં તરબોળ બને છે. સવારના ૬.૩૦કલાકે માતાજીની બાવની થી ઓસારા મંદિરમાં પૂજાવિધિનો પ્રારંભ થાય છે. અને ભક્તો પણ બાવની અને આરતીનો લ્હાવો લેવા માટે સમય પહેલા જ મંદિર ખાતે પહોંચીને માતાજીની ભક્તિમાં લિન બને છે. વર્ષમાં એક જ વાર નીચેનું મંદિર (મૂળ સ્થાનક) જેઠ સુદ -૧૦ ના રોજ સવારે ૧૧.૧૫ થી બપોરના ૦૩.૧૫ સુધી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. દર મંગળવાર ના દિવસે,જેઠ સુદ-દશમ ના દિવસે,આસો નવરાત્રીમાં નવ દિવસ ચૈત્ર નવરાત્રીમાં "આઠમ" ના દિવસે, ગુરૂપૂણિઁમા ના દિવસે,કારતક સુદ પડવો (હિન્દુ નવું વર્ષ) ના દિવસે દશઁન માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે.

Next Story