Connect Gujarat
ગુજરાત

ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડની એશિયન ગેમ્સ માટે થઈ પસંદગી

ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડની એશિયન ગેમ્સ માટે થઈ પસંદગી
X

ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

આગામી ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સ યોજાવાની છે. જેમાં ડાંગ જિલ્લાની આદિવાસી યુવતિ ડાંગ એક્સપ્રેસ કુ.સરીતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી કરવામાં આવી છે. સરીતા ગાયકવાડના ગામ કરાડીઆંબા સહિત સમગ્ર ડાંગ જિલ્લા અને ગુજરાત રાજ્યભરમાંથી સરીતા ગાયકવાડને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આગામી સમયમાં એશિયન ગેમ્સમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે સંપન્ન થયેલી ૫૮મી નેશનલ ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બાદ, ગત તારીખ ૩૦મી જુનનાં રોજ ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ સ્પર્ધા સહિત નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઇને, ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને જકાર્તા માટેની ટીકીટ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, કુ.સરીતા ગાયકવાડે આ નેશનલ કેમ્પમાં સફળતાપૂર્વક ભાગ લઇ, ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ અંકે કર્યો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="54820,54821,54822,54823,54824"]

૪/૪૦૦ મીટર રીલેદોડમાં ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડ સાથે ભારતની દોડવીરો એવી એમ. આર. પુવમ્મા, સોન્યા વૈશ્ય, વિજયાકુમારી, વી.કે.વિસ્મયા અને જીસ્ના મેથ્યુની પણ પસંદગી થવા પામી છે. જે પૈકી સ્પર્ધાની અંતિમ ક્ષણે ઇન ફૉર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવશે. ૫૮મી ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ૫૮:૦૧ સેકન્ડ સાથે ગુજરાત રાજ્ય માટે બ્રોન્ઝ મૅડલ મેળવનારી ડાંગની દિકરી કુ.સરીતા ગાયકવાડ આગામી તા.૯મી જુલાઇથી પોલેન્ડ (યુરોપ) ખાતે એશિયન ગેમ્સની ધનિષ્ઠ તાલીમ માટે જઇ રહી છે. જ્યાંથી તે સીધી ઇન્ડોનેશિયા માટે ઉડાન ભરી, જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ડાંગ કલેક્ટર બી.કે.કુમાર સહિત જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, પદાધિકારીઓ, પ્રબુદ્ધ નાગરીકો, સરીતા ગાયકવાડના ચાહકો સૌએ, તેણીને ભારતને વધુ એક સ્વર્ણપદક અપાવે તે માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. તો રાજ્ય સરકાર વતી ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે પણ સરીતા ગાયકવાડને શુભકામના પાઠવી છે.

Next Story