Connect Gujarat
Featured

ભરૂચ : મૃત્યુ બાદ અસ્થિ વિસર્જનની પરંપરાને પણ નડયો કોરોના, જુઓ શું છે આખી ઘટના

ભરૂચ : મૃત્યુ બાદ અસ્થિ વિસર્જનની પરંપરાને પણ નડયો કોરોના, જુઓ શું છે આખી ઘટના
X

ભરૂચના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે બનાવવામાં આવેલાં ખાસ કોવીડ સ્મશાન ખાતે દર્દીના અંતિમ સંસ્કાર બાદ સ્વજનો અસ્થિ લેવા પણ ન આવતાં હોવાની વિગતો બહાર આવી છે. જુઓ અમારો ખાસ અહેવાલ..પોતીકાઓ બન્યાં પારકા, પારકા બન્યાં પોતીકાઓ ..

મરણનું મુલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું જયાં ન આવે કોઇ મળવાને ત્યાં આખી સભા આવે…. કાવ્યની આ પંકતિઓ ઘણું બધું કહી જાય છે પણ કોરોના બાદ હવે આખી સ્થિતિ બદલાયેલી જોવા મળી રહી છે. કોરોનાથી મૃત્યુ પામનારા લોકો માટે સ્વજનો જ પારકા બની ગયાં છે જયારે પારકાઓ પોતીકા બની ગયાં છે. કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના મૃતદેહને થ્રી લેયર બેગમાં પેક કરી સીધો સ્મશાન કે કબ્રસ્તાન સુધી મોકલી આપવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં મૃતકોથી તેમના સ્વજનો અંતર જાળવી રાખતાં હોય છે. વાત કરવામાં આવે ભરૂચની તો.. ભરૂચમાં ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડા તરફ ખાસ કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ત્યાં 200 કરતાં વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ માનવીના મૃત્યુ પછી તેના અસ્થિનું પવિત્ર નદીઓના જળમાં વિસર્જન થવું જોઇએ પરંતુ કોરોનાએ આ પરંપરાને પણ ભુલાવી દીધી હોય તેમ લાગી રહયું છે. સ્વજનો અગ્નિદાહ આપવા તો નથી આવતાં પણ અસ્થિ લેવામાં પણ ડર અનુભવી રહયાં છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતાં દર્દીઓના મૃતદેહોને ખાસ કોવીડ સ્મશાન ખાતે લાવવામાં આવે છે. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ છેલ્લા અઢી મહિનાથી અંતિમક્રિયા કરી રહયાં છે. અત્યાર સુધીમાં 200થી વધારે મૃતદેહોને અંતિમ મંઝિલ સુધી પહોંચાડવામાં આવ્યાં છે. કોરોના કાળમાં જયારે પોતાના પારકા બની ગયાં છે ત્યારે પારકાઓ સ્વજનોની ગરજ સારી રહયાં છે. મૃતદેહના અંતિમ સંસ્કાર બાદ કોઇ અસ્થિ લેવા પણ આવતું નથી ત્યારે ધર્મેશ સોલંકી અને તેમની ટીમ શાસ્ત્રોકત વિધિથી અસ્થિઓનું પાવન સલિલા મા નર્મદાના નીરમાં વિસર્જન કરી પુણ્યનું ભાથું મેળવી રહી છે. કનેકટ ગુજરાત પરિવાર લોકોને અપીલ કરે છે કે, મૃત્યુ બાદ કોરોનાના દર્દીઓના આત્માને શાંતિ મળે તે માટે અસ્થિ મેળવી તેનું વિસર્જન કરવાનો સંકલ્પ કરીએ…

Next Story