Connect Gujarat
Featured

ACBનો સપાટો : સરકારી કર્મચારીઓ પાસેથી મળી આવી કરોડો રૂપિયાની અપ્રમાણિક મિલકતો, 4 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ

ACBનો સપાટો : સરકારી કર્મચારીઓ પાસેથી મળી આવી કરોડો રૂપિયાની અપ્રમાણિક મિલકતો, 4 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ
X

સરકારી કર્મચારીઓની અપ્રમાણિક મિલકતો બાબતે એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. જેમાં ACB દ્વારા અમરેલી અને ભાવનગરમાં અપ્રમાણસર મિલકતના 4 ગુન્હા દાખલ કરી સરકારી કર્મચારીઓની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં ACBને સફળતા મળી છે.

અપ્રમાણિત મિલકતો બાબતે ACBના અધિકારીઓને મળેલી બાતમીના આધારે, છેલ્લા 2 મહિના સતત તપાસ કર્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ અમરેલી અને ભાવનગરમાં મળીને કુલ 4 સરકારી કર્મચારીઓની કરોડો રૂપિયાની અપ્રમાણિત મિલકત શોધી કાઢી છે. જેમાં અમરેલીમાં અપ્રમાણિત મિલકતના કુણ 3 કેસ કરવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરમાં સરકારી કર્મચારી પાસે પ્રમાણિક મિલકતનો 1 કેસ નોંધવામાં આવ્યો છે. અમરેલીની વાત કરવામાં આવે તો, અમરેલી જિલ્લામાં માથાભારે શખ્સ રાજુ શેખવાના 2 પિતરાઇ ભાઇઓ, સરકારી શિક્ષક ભાભલુ કરું, ગુન્હામાં સંડોવાયેલા અને સરકારી કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કિશોર શેખવા અને અમરેલી જિલ્લામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રોહિત શેખવા પાસેથી પણ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે.

અત્રે નોંધનીય છે કે, અમરેલી સહિત ભાવનગરમાં પણ એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવ્યો હતો. ભાવનગરમાં ફિલ્ડ આસિસ્ટન્ટ શીબા વળિયા પણ અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી તરીકે ઝડપાયા છે. શીબા વળિયા પાસેથી કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત હોવાની માહિતી મળતા એન્ટી કરપ્શન બ્યુરોએ તમામ પુરાવા એકત્રિત કરી ભાવનગરના ફીલ્ડ આસીસ્ટન્ટ ઉપર ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ પાસે અપ્રમાણિત મિલકતોની મળી રહેલી ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો સક્રિય થઇ છે. જેમાં વર્ષ 2020માં ACB દ્વારા કુલ 16 કેસ કરવામાં આવ્યા છે. જોકે તપાસ દરમ્યાન એન્ટી કરપશન બ્યુરોએ રૂપિયા 22 કરોડ 86 લાખની અપ્રમાણિત મિલકતો શોધી કાઢી હતી. ACB દ્વારા શરૂ કરવામાં આવેલ અપ્રમાણિત મિલકતોના કેસથી સરકારી કર્મચારી અને મળતીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એટલું જ નહીં, ACBના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનમાં તમામ ભ્રષ્ટ સરકારી કર્મચારીઓને ગર્ભિત કરી ચેતવણી આપવામાં આવી છે.

Next Story