Connect Gujarat
Featured

અમદાવાદ : 97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને જીવતદાન

અમદાવાદ : 97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને જીવતદાન
X

ડોક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે. એવા ઘણા કિસ્સા છે જેમાં દર્દીને મોતના મુખમાંથી જદ્દોજહદ કરી ડોક્ટર નવું જીવન બક્ષે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ 97 ટકા ક્ષતિગ્રસ્ત થઈ ગેયલા ફેફસા ધરાવતી ધોળકાના તાલુકાની કોરોનાગ્રસ્ત એક મહિલાની જિંદગી બચાવી હતી.

એક સામાન્ય માણસ જીવન બચાવનારા તબીબોને જીવન આપનારા ઇશ્વરની સમકક્ષ સ્થાન આપતો હોય છે. અમદાવાદ સિવિલના તબીબોએ તબીબી જગતના સૌથી પડકારજનક કહી શકાય એવા આ કિસ્સામાં એક ગરીબ ખેતમજૂર મહિલાને બચાવવા મૃત્યુ સામે તુમૂલ સંગ્રામ છેડ્યો હતો અને આ મહિલાને મોતના મુખમાંથી હેમખેમ ઉગારીને તબીબોએ સમાજમાં તેમના આ ઉચ્ચ ગરિમામય સ્થાનને શત પ્રતિશત સાર્થક કરી બતાવ્યું હતું, સાથે જ તેમના નોબેલ પ્રોફેશનની ગરિમાને તથા જનતાના સ્વાસ્થ્ય-સુશ્રુષા પ્રત્યેની અમદાવાદ સિવિલની પ્રતિબદ્ધતાને આગવી ઊંચાઈ પ્રદાન કરી હતી.

આ સમગ્ર ઘટના એવી છે કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મનિષાબહેન ગામમાં ખેતમજૂરી કરી રહ્યા હતાં ત્યારે સ્વાસ્થ્યની તકલીફ સર્જાઈ… ઉધરસ, તાવ જેવા ચિહ્નો દેખાયા, થોડા સમય બાદ મોઢામાંથી લોહી નીકળવા લાગ્યુ. સ્વાભાવિક રીતે પરિવારજનો ચિંતિત બન્યા. ગામથી નજીક એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે તબીબોએ ઘોળકાની મુખ્ય હોસ્પિટલમાં જવા કહ્યુ. મનિષાબહેનના પરિવારજનો તેમને લઇને ધોળકા હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાંના તબીબોએ કહ્યુ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચો નહીંતર ૩ કલાક બાદ મનિષાબહેનને નહીં બચાવી શકાય !!!

મનિષાબહેનના પરિવારજનો તેમને ઝડપભેર અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં લઇ આવ્યા. ત્યાં રિપોર્ટ કરાવતા તેમને કોરોના પોઝિટિવ આવ્યો. તદુપરાંત એકસ-રેમાં જે દેખાયુ તે જોઇ તબીબો પણ આશ્ચર્યચકિત થઇ ગયા. ફેફસાની સ્થિતિના ઉંડાણપુર્વક અને સચોટ પરિણામ સુધી પહોંચવા મનિષાબહેનનો HRCT કરાવવામાં આવ્યો, તેમાં જે દેખાયુ તે સિવિલના તબીબો માટે કોરોનાકાળનો સૌથી પડકારજનક કિસ્સો હતો. મનિષાબહેનના ફેફસામાં ૯૫ થી ૯૭ ટકા સુધી નુકસાન પહોંચી ચુક્યુ હતુ..સી.ટી. સ્કોર પણ ૪૦/૪૦ આવ્યો હતો. તબીબોના અનુમાન પ્રમાણે આટલી ગંભીર સ્થિતિ વચ્ચે દર્દીનું બચવુ અત્યંત મુશ્કેલ બની રહે છે.

મનિષાબહેનને ફેફસામાં થયેલા અત્યંત ગંભીર નુકસાનને તબીબી જગતમાં ફાઇબ્રોસીસ કહે છે. આ નુકસાનની સધન અને સચોટ સારવાર કરવામાં ન આવે તો મનિષાબહેનનું મૃત્યુ થવાની સંભાવનાઓ રહેલી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં છેલ્લા ૮ મહિનાથી કોરોના ડ્યુટી નિભાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાર્તિકેય પરમાર અને પ્રોફેસર અને વડા પલ્મોનરી મેડિસિન (ફેફસા સંબંધિત રોગ ના નિષ્ણાત) ડૉ. રાજેશ સોલંકી પણ મનિષાબેનનો રીપોર્ટ જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. અંતે આ બંને નિષ્ણાંત તબીબોએ મનિષાબેનને ત્વરિત સારવાર આપીને સ્વસ્થ કરવાનું બીંડુ ઉપાડ્યું અને પછી શરૂ થયો મૃત્યુ અને દર્દીને મૃત્યુથી બચાવનારા તબીબ વચ્ચેનો સંઘર્ષ!

તબીબો મનિષાબેનને રેમડેસીવીર, ટોસીલીઝુમેબ , પેન્ટાગ્લોબિન જેવા અત્યંત મોંધા ઇન્જેકશનની સારવાર સાથે ડેક્ઝોના જેવી સપોર્ટિવ સારવાર આપીને મોતના મુખમાંથી પાછા ખેંચી લાવ્યા. આ સારવારના કારણે તેમના મોઢામાંથી સતત વહેતુ લોહી અટક્યું અને ધીરે ધીરે મનિષાબહેનની સ્થિતિ સુધરવા લાગી. આખરે મૃત્યુ અને તબીબોની તજજ્ઞતા વચ્ચેના તુમુલ સંગ્રામના અંતે તબીબોની ફરજ પ્રત્યેની કર્તવ્ય પરાયણતા જીતી અને મનિષાબહેન સાજા થયા. મૃત્યુની કગારે આવી પહોંચેલી એક મહિલાને નવજીવન પ્રદાન કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી જ્ઞાન અને માનવીય સંવેદનાની આગવી મિસાલ પ્રસ્થાપિત કરી હતી.

Next Story
Share it