/connect-gujarat/media/post_banners/8ba0b66b4d4bb3f6907a517b43147837777cd5532b32c5e5819ccd30dbce7102.jpg)
અમદાવાદમાં ગુનાખોરી, હત્યા અને લૂંટના પ્રયાસો વધી રહ્યા છે, ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં હત્યા પાછળ આર્થિક સંકડામણ અને ઘરકંકાસ કારણભૂત હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારના વિરાટનગરમાં આવેલ મકાન નંબર 30માં ગત રાત્રિના સમયે વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરા સહિત એક જ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આર્થિક સંકડામણ અને ઘરકંકાસ કારણભૂત હોવાના અનુમાન વચ્ચે પોલીસે વિનોદ મરાઠી નામના શખ્સની શોધખોળ આરંભી છે. પોલીસે ટેમ્પો ચાલક વિનોદ મરાઠી પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે. હાલમાં FSL અને ડોગ સ્ક્વોર્ડ સહિત 7 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જોકે, ચારેય લોકોની હત્યા કરીને ઘરનો મોભી એવો વિનોદ મરાઠી ઘરને તાળુ મારીને ફરાર થઇ ગયો હતો. ઉપરાંત પોલીસને જમાઇ અને વડ સાસુ વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ કારણ જાણવા મળ્યુ છે.
અગાઉ પણ આરોપી દ્વારા છરી વડે હુમલો કરાયો હતો, પરંતુ પારિવારિક ઝઘડાના કારણે પોલીસ ફરિયાદ થઇ ન હતી. વિનોદ મરાઠી મહારાષ્ટ્ર કે, સુરત ફરાર થયો હોવાની શક્યતાના પગલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, 15 દિવસથી આ પરિવાર નિકોલથી ઓઢવમાં રહેવા આવ્યો હતો. જેથી શંકા એ પણ છે કે, અગાઉથી જ હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.