ભરૂચ : ભારત બંધના એલાન દરમિયાન જિલ્લામાં બજારો ચાલુ રહયાં પરંતુ હાઇવે પર વાહનોની સંખ્યા ઘટી

Update: 2021-02-26 09:01 GMT

પેટ્રોલ અને ડીઝલના ભડકે બળી રહેલાં ભાવોના પગલે મોંઘવારી વધી છે. ગરીબ અને મધ્યમવર્ગની હાલત એક સાંધતા તેર તુટે જેવી થઇ ચુકી છે. પેટ્રોલ અને ડીઝલના વધી રહેલાં ભાવો તથાગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને લઈને ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ શુક્રવારના રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું.

ભારતમાં છેલ્લા બે સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે મોંઘવારી વધી છે. શાકભાજીથી માંડી અન્ય ચીજવસ્તુઓની કિમંતો વધી જતાં ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી બની ચુકી છે. પેટ્રોલ અને ડીઝલના વધી રહેલાં ભાવો ટ્રાન્સપોર્ટરોને જયારે ગુડસ એન્ડ સર્વિસ ટેકસના નિયમોમાં કરાયેલાં ફેરફારો વેપારીઓને દઝાડી રહયાં છે.

દેશમાં હાલ GST અમલમાં છે પણ તેના નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યાંં છે. નવા નિયમોમાં અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી હતી. હવે કોઈપણ અધિકારી કોઈપણ કારણોસર કોઈપણ વેપારી GST રજિસ્ટ્રેશન નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે. બેંક ખાતાં અને સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. ખાસ વાત એ છે કે આ કરતાં પહેલાં વેપારીને કોઈ નોટિસ આપવામાં આવશે નહીં. એ વેપારીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. નવા નિયમો સામે વેપારીઓ નારાજ છે. હવે વાત કરીશું ટ્રાન્સપોર્ટરોની. ઇ-વે બિલની મર્યાદા 100 કિ.મી.થી વધારીને 200 કિ.મી. કરવામાં આવી હોવાથી 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ઇ-વે બિલ નિયમથી ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓ ચિંતિત છે. ખરેખર 2021-22ના બજેટમાં ઇ-વે બિલની કલમ 129માં બદલાવ કરવામાં આવ્યો છે. તદનુસાર, જો બિલમાં કોઈ ભૂલ થાય છે તો પછી ટેક્સ અને પેનલ્ટી બંને વસૂલવામાં આવશે, સાથે જ જે ટેક્સ અગાઉ પરત કરવામાં આવતો હતો એ હવે થશે નહીં. જો અજાણતાં એક નાની ભૂલ થાય છે તો પેનલ્ટી અને દંડ બેગણો વસૂલવામાં આવશે.

આ કારણોસર શુક્રવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બંધની નહિવત અસર જોવા મળી છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં બજારો રાબેતા મુજબ ખુલ્યાં હતાં. રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન હોવાના કારણે ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અન્ય દિવસોની સરખામણીએ શુક્રવારે વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રકો તથા બીજા ભારદારી વાહનોની અવરજવરથી ભરચક રહેતાં હાઇવે પણ ખુબ ઓછી સંખ્યામાં વાહનો જોવા મળ્યાં હતાં.

Tags:    

Similar News