ભરૂચ : અશાંતધારાના અમલીકરણ બાબતે રહીશોમાં રોષ, જુઓ કેવી રીતે સત્તાધીશોને ભણાવશે પાઠ

Update: 2021-01-31 10:39 GMT

જુના ભરૂચ શહેરના હાથીખાના સહિતના વિસ્તારોમાં હાલ ચુંટણી બહિષ્કારના બેનર્સ લાગેલાં છે અને તેનું કારણ છે  અશાંતધારાનો છેડેચોક થઇ રહેલો ભંગ છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાથી પણ લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહયો છે.....


જુના ભરૂચ શહેરમાં બંને કોમના લોકોના મકાનો આવેલાં છે જેના કારણે છાશવારે છમકલા થયાં કરતાં હોય છે. આવા સંજોગોમાં રાજય સરકારે ભરૂચના 48 વિસ્તારોમાં અશાંતધારો અમલી બનાવ્યો છે. અશાંતધારો એરિયાવાઇસ અમલમાં મુકવાના બદલે સીટી સર્વેના નંબર મુજબ અમલમાં મુકાયો હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, બહાદુર બુરજ, સોની ફળિયા સહિતના વિસ્તારોમાં લોકડાઉન દરમિયાન મિલકતોનું વેચાણ થયું છે. જયારે આ સમયે સરકારી કચેરીઓ બંધ હતી ત્યારે મંજુરી કોણે આપી તે એક સવાલ છે. અશાંતધારા બાબતે અમારા લોકો સાથે મોટી ગેમ રમાય છે.



આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી આવી રહી છે ત્યારે વિકાસના કામો બાબતે પણ લોકોએ સવાલો ઉઠાવ્યાં છે. વોર્ડ નંબર 11માં વર્ષોથી ચુંટાઇને આવતાં નગરસેવકો માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહયાં છે. વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં અમારે આખરે બેનર્સ મારવાની ફરજ પડી છે.


વોર્ડ નંબર 11ના રહીશોમાં માળખાકીય સુવિધાઓ કરતાં અશાંતધારા બાબતે વધુ રોષ જોવા મળી રહયો છે. જો અશાંતધારાનો વ્યવસ્થિત અમલ નહિ થાય તો કોમી તોફાનો થવાની દહેશત લોકોએ વ્યકત કરી છે. સ્થાનિક રહેવાસી મેહુલ પટેલે જણાવ્યું હતું કે, કસક ગરનાળુ બંધ રહેવાનું હતું ત્યારે ધારાસભ્યએ માત્ર 24 કલાકમાં જાહેરનામુ રદ કરાવ્યું હતું. અમારા વિસ્તારના નગરસેવકો આવી કામગીરી કરી શકતાં નથી. જયાં સુધી અમને અશાંતધારા બાબતે યોગ્ય અમલીકરણ વિશે બાંહેધરી નહિ મળે ત્યાં સુધી અમે ચુંટણીનો બહિષ્કાર કરતાં રહીશું....

Tags:    

Similar News