ભરૂચ : દહેજથી ટ્રકમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 5 ઇસમોની ધરપકડ…

ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના કાપોદ્રાના એક ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે.

Update: 2022-05-23 12:48 GMT

ભરૂચ જિલ્લાના દહેજના અદાણી પોર્ટથી ટ્રકોમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના કાપોદ્રાના એક ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના નેશનલ હાઇવે નં. 48 ઉપર કાપોદ્રા પાસે આવેલા ગોડાઉનમાં ઓસ્ટ્રેલિયન કોલસા કૌભાંડને ઝડપી પાડ્યું છે. લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં મોરબીના દિનેશ પટેલ અને હરેશ ઝાલરીયાએ ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનો વહીવટ રાજકોટનો તિલક રાજેશ સેરસિયા કરતો હતો. દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો અહીં સગેવગે કરાતો હતો. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતા ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાયએશ અને થાનની માટી ભરવાનું રેકેટ રંગે હાથ ઝડપાયું હતું. LCB પોલીસે સ્થળ પરથી દિનેશ પટેલ, લોડર ડ્રાઈવર મૂળ બિહાર અને હાલ કાપોદ્રાના લક્ષ્મી ટ્રેડર્સ ગોડાઉનમાં રહેતો સોનુ ગણેશરાય યાદવ, મૂળ UPનો સૂરજ રામપ્રીત ચૌહાણ તેમજ મહારાષ્ટ્રના MGR ટ્રાન્સપોર્ટના ખાન બંધુઓ સલમાન ખાન અને અરબાઝ ખાનની અટકાયત કરી હતી. જેમાં વધુ તપાસ હાથ ધરતા અરબાઝ ખાન ટ્રક ડ્રાઈવર હતો, જ્યારે તેનો ભાઈ સલમાન ખાન ક્લિનર તરીકે કામ કરતો હતો. પોલીસે સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી કુલ કિંમત 18.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News