અંકલેશ્વર : સારૂ ક્રિકેટ રમતા ખેલાડીઓ પર સિલેકટર ધ્યાન આપે : મુનાફ પટેલ

ભરૂચ જિલ્લાના સૌ પ્રથમ વખત આઇપીએલની જેમ ભરૂચ પ્રિમિયર લીગનો પ્રારંભ થઇ ચુકયો છે.

Update: 2022-03-06 10:34 GMT

ભરૂચ જિલ્લાના સૌ પ્રથમ વખત આઇપીએલની જેમ ભરૂચ પ્રિમિયર લીગનો પ્રારંભ થઇ ચુકયો છે. ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટની મેચો રમાડવામાં આવી રહી છે... ભરૂચ જિલ્લામાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહયો છે અને કેટલાય ગામોમાં તો ખાનગી મેદાનો બનાવી ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવામાં આવી રહયાં છે.

અંકલેશ્વરના ઉમરવાડા ગામે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડનું થોડા સમય પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મેદાન ખાતે રવિવારથી ભરૂચ પ્રિમિયર લીગનો પ્રારંભ થયો છે. ઉદઘાટન સમારંભમાં ભરૂચ ડીસ્ટ્રીકટ એસોસીએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, મરહુમ સાંસદ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, ભારતીય ટીમના સભ્ય રહી ચુકેલાં અને ઇખર એકસપ્રેસના નામથી જાણીતા મુનાફ પટેલ, પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી કરણ જોલી સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો અને ખેલાડીઓ હાજર રહયાં હતાં. બીડીસીએના પ્રમુખ દુષ્યંત પટેલે ટુર્નામેન્ટના આયોજનની પ્રસંશા કરી હતી.

ભરૂચ પ્રિમિયર લીગમાં 8 જેટલી ફ્રેન્ચાઇઝીઓએ 180 જેટલા ખેલાડીઓ ખરીદયાં છે. 8 ટીમો વચ્ચે આઇપીએલની જેમ મેચ રમાશે. ટુર્નામેન્ટના ઉદઘાટન સમારંભમાં હાજર રહેલા ક્રિકેટર મુનાફ પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે ત્યારે આ ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓ પણ બીડીસીએના સિલેકટર્સે ધ્યાન રાખવું પડશે અને સારા ખેલાડીઓને વધુ સારી તકો મળે તે માટે ગુજરાત ક્રિકેટ એસોસીએશનમાં પણ રજુઆત કરવી પડશે.

Tags:    

Similar News