અમરેલી : વાતાવરણમાં પલટા બાદ વરસાદ સાથે ભેરાઇ ગામના ખેડૂત પર વીજળી પડતાં મોત...

રાજુલા પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ભેરાઇ ગામે વીજળી પડતાં ખેડૂતનું મોત નીપજ્યું

Update: 2022-04-21 11:49 GMT

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદના અમીછાંટણા થયા હતા. આ દરમ્યાન રાજુલા તાલુકાના ભેરાઇ ગામે વીજળી પડતાં એક ખેડૂતનું મોત નીપજ્યું હતું.  રાજ્યભર સહિત અમરેલી જીલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જણાયો હતો. હવામાનમાં પલટો આવતા જ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદના અમીછાંટણા થયા હતા. એટલું જ નહીં જામી ગયેલા ચોમાસાની જેમ વીજળીના કડાકા પણ થયા હતા.

આ દરમ્યાન રાજુલા તાલુકાના ભેરાઇ ગામે ખેતરમાં ભાગીયુ રાખી ગુજરાન ચલાવતા 30 વર્ષીય ખેડૂત ભરત સોલંકી પર વીજળી પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવના પગલે ગ્રામજનોએ ભરત સોલંકીને સૌપ્રથમ ખાનગી હોસ્પિટલ, ત્યાર બાદ રાજુલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબે ખેડૂત ભરત સોલંકીને મૃત જાહેર કર્યો હતો. પરિવારના મોભીનું અકાળે મોત નિપજતા પરિજનો પર આભ તૂટી પડ્યું હોય, ત્યારે ગ્રામ્યજનોએ સાંત્વના આપી સરકાર તરફથી આ નિઃસહાય પરિવારને જરૂરી સહાય મળે તેવી માંગ કરી છે.

Tags:    

Similar News