અરવલ્લી : પારિવારિક રાજકારણ ગરમાયું, મહિલા સરપંચ પદ માટે મેદાને ઉતરી દેરાણી-જેઠાણી...

દેરાણી-જેઠાણી સામ સામે પ્રચારની કામગીરીનો પ્રારંભ કર્યો સરપંચ પદ માટે 11 મહિલા ઉમેદવારોએ મેદાનમાં ઉતરી

Update: 2021-12-12 11:08 GMT

અરવલ્લી જિલ્લાના ગઢા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ જામ્યો છે, ત્યારે મહિલા અનામત સરપંચ પદ માટે 11 મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી છે. જોકે, મહત્વની વાત તો એ છે કે, આ મહિલા ઉમેદવારોમાં દેરાણી અને જેઠાણીએ પણ સામ સામે ઉમેદવારી નોંધાવી છે. સામાન્ય રીતે સમાજમાં પણ દેરાણી અને જેઠાણી વચ્ચે 'વાકયુદ્ધ' ખેલાતું જ હોય છે. અને દેરાણી-જેઠાણીના સુમેળભર્યા સબંધોની મહેક પણ મહેકી ઉઠે છે, ત્યારે આગામી 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ગઢા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ મહિલા અનામત હોવાથી 11 મહિલાઓ સરપંચ બનવા મેદાનમાં છે. જેમાં દેરાણી-જેઠાણી ગામની ધૂરા સંભાળવા ચૂંટણી મહાસંગ્રામમાં ઝંપલાવ્યું છે. દેરાણી-જેઠાણી સામસામે ચૂંટણી જંગના મેદાનમાં ઉતરતા સ્થાનિક અને પારિવારિક રાજકારણ ગરમાયું છે. જો કે, દેરાણી-જેઠાણી બન્ને વચ્ચે સુમેળભર્યા સબંધો ચૂંટણી બાદ પણ બની રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોડાસા તાલુકાની ગઢા ગ્રામ પંચાયત વિસ્તારમાં આજુબાજુના 5 ગામનો સમાવેશ થાય છે. ગઢા ગ્રામ પંચાયતમાં 2200થી વધુ મતદારોનો દબદબો છે, ત્યારે મહિલા સરપંચ પદ માટે દેરાણી કંચન પટેલ અને જેઠાણી શિલ્પા પટેલ પણ ઝંપલાવ્યું છે. ગામના મુખિયા બનવા 11 મહિલાઓ મેદાનમાં છે, અને જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તમામ મહિલા ઉમેદવારો ગામને આદર્શ બનાવવા અને ગામમાં વિકાસના અધૂરા રહેલા કામ ઝડપથી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી મતદારોને રીઝવી રહી છે. જોકે, નાનકડા ગામમાં 11 મહિલા ઉમેદવારો પ્રચારમાં નીકળતી હોવાથી ચૂંટણીનો અનેરો માહોલ જામ્યો છે.

Tags:    

Similar News