ડાંગ : ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી અંગેની સહાય મળશે, પેમેન્ટ હુકમોનું વિતરણ કરાયું

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2022-02-23 11:26 GMT

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય કરી ખેડૂતોને સહાય વિતરણ કરતા ધારાસભ્ય વિજય પટેલે ખેડૂત કલ્યાણ અર્થે સતત ચિંતિત રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી, લાભાર્થી ખેડૂતોને સ્માર્ટફોનના ઉચિત ઉપયોગથી તેનો ઉદ્દેશ બર લાવવાની હિમાયત કરી હતી.

આ વેળા કલેકટર ભાવિન પંડ્યાએ કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓનો ખ્યાલ આપી, પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેડૂતોને તેમની આવક ડબલ કરવાની અપીલ કરી હતી. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ પણ પ્રોત્સાહક હાજરી આપી, ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની સ્માર્ટફોન ખરીદી યોજના અન્વયે ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા રૂ. ૧૫૦૦૦ સુધીના સ્માર્ટફોનની ખરીદી ઉપર ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ.૬,૦૦૦/- સહાય ચૂકવવામા આવે છે.

ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ સને ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૩૦ લાભાર્થીઓના લક્ષ્યાંક સામે સો એ સો ટકા ખેડૂત લાભાર્થીઓને રૂ. ૭.૮૦ લાખની સહાય ચૂકવવામા આવી છે. જેના પ્રતિક રૂપે આજે યોજાયેલા સહાય વિતરણ કાર્યક્રમમા૧૬ લાભાર્થીઓને પેમેન્ટ હુકમનુ વિતરણ કરાયુ હતું. આ યોજના સહિત ખેડૂતો માટેની અમલી શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લેવા માટે આગામી તા.૨૧/૦૩/૨૦૨૨ સુધી ખુલ્લા મુકાયેલા www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડૂત પોર્ટલ) ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કેતન માહલાએ પૂરક વિગતો આપતા જણાવ્યુ હતું.

Tags:    

Similar News