કરછ: ભક્તો માટે સારા સમાચાર, આશાપુરા માતાનો મઢ નવરાત્રી દરમ્યાન ખુલ્લો રહેશે

Update: 2021-09-25 15:43 GMT

આસો નવરાત્રી નજીક આવી રહી છે. ત્યારે કચ્છ કુળદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે પદયાત્રીઓ પગપાળા આવવાનું પણ શરૂ થઈ ગયા છે. જોકે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોવિડના કારણે પદયાત્રી કેમ્પોને મંજૂરી આપવામાં આવી નથી. માત્ર ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે.

આજે મળેલી મંદિર ટ્રસ્ટ અને તંત્રની બેઠકમાં નિર્ણય લેવાયો કે નવરાત્રી દરમિયાન માતાનામઢ મંદિર ભાવિકો માટે ખુલ્લું રહેશે પણ પદયાત્રીઓ માટે કેમ્પ નહિ યોજાય. આસો નવરાત્રી દરમિયાન રાબેતા મુજબ ભાવિકોમાં આશાપુરાના દર્શન કરી શકશે અને સવારના 4 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. પરંતુ દૂર દૂરથી પગપાળા આવતા પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પો સતત બીજા વર્ષે બંધ રહેશે. નવરાત્રી દરમિયાન મેળો પણ નહીં યોજાય, માત્ર ગામના વેપારીઓ પૂજાપો અને પ્રસાદી વેચી શકશે તે માટેની છૂટ અપાઈ છે. ખાસ માતાના મઢ આવવા જવા માટે એસટી તંત્ર દ્વારા વધુ 50 બસો દોડાવવામાં આવશે જેથી ભાવિકોને સરળતા રહે..

લાંબા સમયની ઇંતેજારી બાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મંદિર પણ બંધ રહ્યું હતું જોકે આ વર્ષે કોરોના હળવો થતા મંદિર નવરાત્રીમાં ભક્તો માટે ખુલ્લું રાખવાનો રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags:    

Similar News