કોંગ્રેસના MLA અનંત પટેલ પર થયેલા હીચકારા હુમલાનો નવસારી-તાપી-અમરેલી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ…

વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલ હુમલાનો મામલો, રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય તંત્રને રજૂઆત

Update: 2022-10-10 09:47 GMT

નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાના પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી, તાપી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્રને આવેદન પત્ર આપી હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

Full View

નવસારી જિલ્લાની વાસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ મુદ્દાએ હાલ રાજકીય રંગ પકડતા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હુમલાખોરોને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા સાથે કમલમનો ઘેરાવો તેમજ હાઈ-વે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

તો બીજી તરફ, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ હુમલાખોરોને વહેલી તકે ઝડપી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. આ દરમ્યાન સુરત-માંડવી વિધાનસભાના ધારાસભ્ય આનંદ ચૌધરી, તાપી-નિઝર વિધાનસભાના ધારાસભ્ય સુનિલ ગામીત સહિત મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી જિલ્લામાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હિંસક હુમલાના વિરોધમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હીચકારી હુમલાની ઘટનાના હુમલાખોરોને વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Tags:    

Similar News