નવસારી: જંગલી બાવળોને દૂર કરાતા દાંડીમાં દરિયો અનેક ગામોને ભરખી જશે ! ગ્રામજનોમાં રોષનો માહોલ

ગ્લોબલ વોર્મિંગની અસર વધતા દરિયો સતત આગળ વધી રહ્યો છે. દરિયો આગળ વધતા કિનારાની જમીનનું ધોવાણ વધ્યુ છે

Update: 2023-08-24 08:16 GMT

ગ્લોબલ વોર્મિંગની અસર વધતા દરિયો સતત આગળ વધી રહ્યો છે. દરિયો આગળ વધતા કિનારાની જમીનનું ધોવાણ વધ્યુ છે ત્યારે નવસારી જિલ્લામાં પણ ઐતિહાસિક દાંડીમાં દર વર્ષે દરિયો દોઢથી બે ફૂટ આગળ વધી રહ્યો છે

ભારતની આઝાદીમાં દાંડીકૂચનુ વિશેષ મહત્વ છે. દરિયા કિનારે વસેલા નવસારીના ઐતિહાસિક દાંડી ગામ ગાંધીજી અને મીઠાના સત્યાગ્રહને કારણે વિશ્વમાં જાણીતું બન્યું છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરમાં વૈશ્વિક ફલક પણ જાણીતા બનેલા દાંડીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયુ છે. કારણ છે સતત આગળ વધતો દરિયો. છેલ્લા થોડા વર્ષોમાં દરિયો દાંડી ગામના કિનારાને ગળી રહ્યો છે. જેને કારણે ગ્રામજનોની ચિંતા વધી છે. એક અનુમાન મુજબ દરિયો દાંડીની સેંકડો ફૂટ જમીન પોતાનામાં સમાવી ચુક્યો છે ત્યારે દાંડી ગામના લોકોએ વન વિભાગ સાથે મળીને કિનારાના વિસ્તારમાં જંગલી બાવળો વાવ્યા હતા અને ગામના વડીલોએ મહેનત કરીને એ બાવળોને ઉછેર્યા જેને કારણે દરિયાની તોફાની થપાટ સામે દાંડી ટકી શક્યું છે. પરંતુ ગત દિવસોમાં વિકાસને નામે દાંડીના કિનારે ઉગેલા બાવળોને કોઈક એજન્સીએ ગ્રામજનોની જાણ બહાર ઉખેડી કાઢતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઐતિહાસિક દાંડી ગામે ભારત સરકાર દ્વારા 80 કરોડના ખર્ચે રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે. જેના કારણે અહીં પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. દાંડીના દરિયા કિનારે જોખમ વધતા રાષ્ટ્રીય સ્મારક સામે પણ ખતરો ઉભો થયો છે. કારણ દરિયાથી સ્મારક સુધીનું અંતર પણ ઘટી રહ્યું છે, સ્મારકના સંચાલક પણ દરિયા કિનારેથી બાવળ કાઢવાની ઘટનાને ખોટી ગણાવી રહ્યાં છે. સમગ્ર મુદ્દે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને જાણ કરતા એમણે દાંડી રાષ્ટ્રીય ધરોહર હોવાથી જંગલી બાવળ કાઢવાની વાતને ગંભીરતાથી લઈ તપાસ કરાવી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યુ હતું.

Tags:    

Similar News