પાટણ: ભાજપ કોર્પોરેટરે લાત મારી, તો ચીફ ઓફિસરે લાફા ઝીંક્યા; CCTV વિડીયો થયો વાયરલ

પાટણમાં પાલિકા ચીફ ઓફિસર અને ભાજપ કોર્પોરેટર વચ્ચે થયેલી બબાલ ટોક ઓફ ધ ટાઉન છે

Update: 2021-08-07 07:49 GMT

પાટણમાં પાલિકા ચીફ ઓફિસર અને ભાજપ કોર્પોરેટર વચ્ચે થયેલી બબાલ ટોક ઓફ ધ ટાઉન છે. ફોર્મમાં સહી કરાવવા આવેલા વોર્ડ નંબર 10ના ભાજપના ઉશ્કેરાયેલા કોર્પોરેટરે ચીફ ઓફિસરને લાત મારી હતી તો ચીફ ઓફિસરે લાફા ઝીંક્યા હતા.. સમગ્ર ઘટનાના સીસીટીવી ફરતા થયાં છે.

પાટણ નગરપાલીકાના ચીફ ઓફિસર પર હુમલાની ફરિયાદ થઇ છે. ભાજપના કોર્પોરેટરે ફરજ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ હુમલાનો પ્રયાસ કર્યો છે. વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર મહોમ્મદ હૂસેન ફારૂકીની દાદાગીરી સામે આવી છે. શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટર નગરપાલિકા પહોંચ્યા હતા અને નળ કનેક્શનના ફોર્મમાં સહી કરવા ચીફ ઓફિસરને કહ્યું હતું. જોકે એ સમયે ચીફ ઓફિસર પાલિકાની બાંધકામ શાખામાં સરકારી કામ અર્થે ફાઈલો લઇને બેઠા હતા. જેથી તેમણે કોર્પોરેટરને થોડીવારમાં પોતાની ચેમ્બરમાં આવીને તેમનું કામ પતાવી આપવાનું જણાવ્યું હતું. જેથી કોર્પોરેટર ઉશ્કેરાઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, ભાજપના કોર્પોરેટર મહમંદ હુસૈન ફારુકી 'જલ સે નલ યોજના' અંતર્ગત પોતાના વોર્ડના કેટલાક જરૂરિયાતમંદ લોકોના નળ કનેક્શનમાં ફોર્મમાં સહી કરાવવા બાબતે પહોંચ્યા હતા. જે દરમિયાન ચીફ ઓફિસર પાંચાભાઈ માળી સાથે બબાલ થઇ હતી. બબાલ એટલી ઉગ્ર થઇ હતી કે ભાજપ કોર્પોરેટરે ખુરશી ઉપાડી હતી અને લાત મારી હતી તો ચીફ ઓફિસરે પણ લાફા ઝીંક્યા હતા. હાજર લોકોએ વચ્ચે પડીને બન્નેને છોડાવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફરતા થયાં છે.

તો આ તરફ કોર્પોરેટરે પણ ચીફ ઓફિસર સામે હુમલાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાનું વાસ્તિવક દ્રશ્ય માટે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, તેમાં તેનું વાસ્તવિક દ્રશ્ય જોઇ શકાય છે. મળતી માહિતી મુજબ હાજર રહેલા લોકોએ જણાવ્યુ હતું કે ફાઈલો પર તાત્કાલિક સહી કરવાનું કહેતા બોલાચાલી થઈ હતી. ચીફ ઓફિસરે તપાસ બાદ સહી કરવાનું કહેતા મામલો બિચક્યો હતો.

Tags:    

Similar News