સાબરકાંઠા : વ્યાજખોરોના ત્રાસથી યુવાનની ગળે ફાંસો લગાવી આત્મહત્યા, 7 લોકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રહેતા વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું.

Update: 2022-05-17 06:51 GMT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રહેતા વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે 7 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, હિંમતનગર શહેરના બગીચા વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા ભાર્ગવ ગોહિલ વ્યાજખોરોના માનસિક ત્રાસથી તણાવમાં રહેતા હતા. જોકે, વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતાં ભાર્ગવ ગોહિલ સરસામાન ઘરે લાવીને દરજી કામ કરવા લાગ્યા હતા. જોકે, વ્યાજખોરો ભાર્ગવ ગોહિલના ઘરમાં આવી ધમાલ કરી હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. વધુ હેરાન સહન ન થતા ભાર્ગવ ગોહિલે માનસિક ત્રાસથી કંટાડીને મોડી રાત્રે ઘરના સભ્યો સૂતા હતા, ત્યારે રૂમમાં પંખા સાથે ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું.

જોકે, તેમની પત્નીએ પંખા સાથે લટકતા જોતા જ 108ને બોલાવી હતી. ત્યારબાદ ભાર્ગવ ગોહિલના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. પોલીસે ભાર્ગવ ગોહિલનો મોબાઈલ તપાસતા તેમાં અપશબ્દો અને ધમકીભરી ઓડિયો ક્લિપ મળી આવતા 7 જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News