સુરત: શાળામાં પ્રખરતા શોધ કસોટી દરમ્યાન વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરી પહોંચતા વિવાદ,હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો.

Update: 2022-02-22 09:27 GMT

સુરતના વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઇને વિરોધ નોંધાવતાં સાતથી આઠ જેટલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

કર્ણાટકનો હિજાબનો મુદ્દો વધુ ગરમાઈ રહ્યો છે જેના પડઘા ગુજરાતમાં પણ શરૂ થયા છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પી.પી.સવાણી શાળાની અંદર પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિસાબ પહેરીને શાળાએ પહોંચતાં જ તેમનો વિરોધ કરવામા આવ્યો હતો. આ પ્રકારે તેઓ અહીં હિજાબ પહેરીને શાળામાં ન આવી શકે એ પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા. દેશભરની અંદર હવે વાતાવરણ તંગ થતું હોય એવું જોવા મળી રહ્યું છે.

દેશભરની અંદરનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ચર્ચામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક પહેરવેશ પહેરીને શાળા-કોલેજોમાં આવા પર પ્રતિબંધ મૂકવામાં આવે એ પ્રકારની માગ સામાન્ય બની રહી છે. દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓ ગણવેશમાં આવે એ પ્રકારની માગ કરવામાં આવી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતને પણ શાહીન બાગ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એના ભાગરૂપે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારનું કૃત્ય ચલાવવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News