વડોદરા:રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સ્ત્રીનો વેશ ધારણ કરી લૂંટ ચલાવતી ટોળકી ઝડપાય, 15 વાહન ચાલકોને નિશાન બનાવ્યા હોવાનો ખુલાસો

દુમાડ ચોકડીથી કરજણ હાઇવે ઉપર સ્ત્રીનો વેશ ધારણ કરી 15 જેટલા વાહન ચાલકોને લલચાવી લૂંટ ચલાવતી ટોળકીનો કરજણ પોલીસે પર્દાફાશ કર્યો છે.

Update: 2022-04-22 06:56 GMT

છેલ્લા પંદર દિવસ દરમિયાન વડોદરા દુમાડ ચોકડીથી કરજણ હાઇવે ઉપર સ્ત્રીનો વેશ ધારણ કરી 15 જેટલા વાહન ચાલકોને લલચાવી લૂંટ ચલાવતી ટોળકીનો કરજણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે વડોદરાના છાણી ખાતે રહેતી ટોળકીના ચાર સાગરીતોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા પંદર દિવસ દરમિયાન વડોદરા દુમાડ ચોકડીથી કરજણ હાઇવે ઉપર હાહાકાર મચાવી મુકનાર ટોળકીને ઝડપી પાડવા માટે કરજણ પોલીસ મથકના પી.આઇ એમ.એ. પટેલ દ્વારા પી. એસ.આઇ. ડી. એચ. વસાવા અને તેમના સ્ટાફને કડક સૂચના આપી હતી. દરમિયાન આ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે કરજણ પી.આઇ.ને માહિતી મળી હતી કે હાઈવે ઉપર લૂંટ ચલાવતી ટોળકી માંગલેજ પાસે જાળીમાં લૂંટ કરવાના ઇરાદે છુપાયેલી છે. જે માહિતીના આધારે પીએસઆઇ અને તેમના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ, હર્ષદકુમાર, તેમજ મુકેશકુમાર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. અને ટોળકીના ચાર સાગરીતોને દબોચી લીધા હતા. પોલીસ પૂછપરછમાં ઝડપાયેલી ટોળકીએ વિપુલ દિપક રાઠવા, રોહિત ઉર્ફ બાડીયો અમરસિંહ માવી, ગણેશ ઉર્ફ ગણીયો રામભાઇ કુસવા અને ફરદીન ઉર્ફ સોનું અફઝલ અહેમદ અન્સારી નામ જણાવ્યા હતા. આ તમામ વડોદરા ના છાણી ખોડિયાર નગરમાં રહે છે.

વિપુલ અને ગણેશ કડીયા કામ કરે છે. જ્યારે અન્ય બે છૂટક મજૂરી કામ કરે છે. ચાર પૈકી એક સ્ત્રીનો વેશ ધારણ કરી હાઇવે રોડ ઉપર બેટરી લઈ ઉભો રહેતો હતો. અને પસાર થતાં વાહનોના ચાલકોને લલચાવતો હતો. જો કોઇ ડ્રાઇવર જાળમાં ફસાઇ જાય તો તેને મારમારી લૂટી લેતાં હતાં. વડોદરાની દુમાડ ચોકડીથી કરજણ સુધીના હાઇવે ઉપર આ ટોળકીએ તા. 2 એપ્રિલ 2022 થી તા.16 એપ્રિલ 2022 સુધીમાં 15 જેટલા વાહન ચાલકોને શિકાર બનાવી રૂપિયા 94,000 રોકડ સહિત મુદ્દામાલની લૂંટ ચલાવી છે. આ ટોળકીએ વડોદરા શહેરની હદમાં ચાર, વરણામા પોલીસ મથકની હદમાં ત્રણ, અને કરજણ પોલીસ મથકની હદમાં સાત લૂંટ ચલાવી છે. કરજણ પોલીસે ટોળકી સામે લૂટનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટોળકી પાસેથી મોબાઇલ ફોન, રોકડ, બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News