વડોદરા : વાઘોડિયામાં ડમ્પર અને 3 વિદ્યાર્થીઓના મોપેડ વચ્ચે અકસ્માત, 1 વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત

ડમ્પરે અડફેટમાં લેતાં જ મોપેડ સવાર 3 પૈકી 2 વિદ્યાર્થીઓ ડમ્પરના પાછળના ટાયરમાં ફસાઈ ગઇ હતી, જ્યારે મોપેડ ચાલક રોડ પર પટકાયો હતો.

Update: 2022-05-31 11:52 GMT

વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં મોપેડ સવાર પારૂલ યુનિવર્સિટીની 2 વિદ્યાર્થીનીઓ સહિત 3 વિદ્યાર્થીઓને પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ડમ્પરે અડફેટમાં લેતા ત્રણેય વિદ્યાર્થી ડમ્પરના પાછળના ટાયરમાં મોપેડ સાથે ફસાઇ ગયા હતા. આ ઘટનામાં એક વિધાર્થિનીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે મોપેડ ચાલક સહિત 2 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં એરોનોટીકલના ફસ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આજથી પરિક્ષા શરૂ થતી હોવાથી પરિક્ષા આપવા માટે સવારે નિકળ્યા હતા. તે દરમ્યાન વલસાડ પવનપુત્ર બંગલોની મૂળ રહેવાસી ઈશા રાણા વાઘોડિયા પારુલ યુનિવર્સિટીમાં એરોનોટીકલ ડિપ્લોમામાં ફસ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. આજે સવારે સહપાઠી મિત્ર વાજીદઅલી હૈદરઅલી શેખ અને ખુશી વિહોલ સાથે આજથી શરૂ થયેલી પરિક્ષા આપવા માટે પારૂલ યુનિવર્સિટીમાં મોપેડ ઉપર જવા માટે નિકળ્યા હતા.

આ દરમ્યાન અલવા ગામ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે મોપેડ સવાર વિદ્યાર્થીઓને અડફેટમાં લીધા હતા. ડમ્પરે અડફેટમાં લેતાં જ મોપેડ સવાર 3 પૈકી 2 વિદ્યાર્થીઓ ડમ્પરના પાછળના ટાયરમાં ફસાઈ ગઇ હતી, જ્યારે મોપેડ ચાલક રોડ પર પટકાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં મોપેડ ઉપર વચ્ચે બેઠેલી ઈશા રાણાનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વાજિદઅલી અને ખુશીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

બનાવ બનતાની સાથે સ્થાનિક લોકોના ટોળેટોળા તેમજ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકત્ર થઇ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ પણ વાઘોડિયા ખાતે દોડી આવ્યા હતા. આ સાથે વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News