વડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળબજારના દબાણો દૂર કરાયા, નાના વેપારીઓમાં રોષ...

શહેરના મંગળબજાર વિસ્તારમાં ગેરકાયદે લારી સહિત પાથરણાવાળાઓના દબાણો હટાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

Update: 2022-05-07 11:09 GMT

વડોદરા શહેરના મંગળબજાર વિસ્તારમાં ગેરકાયદે લારી સહિત પાથરણાવાળાઓના દબાણો હટાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે દબાણ કામગીરી દરમ્યાન મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર હાજર રહ્યો હતો.

વડોદરાના ચાર દરવાજા વિસ્તારની મધ્યસ્થમાં આવેલ કાપડ બજાર તરીકે જાણીતા મંગળબજાર ખાતે લારી સહિતના પાથરણાવાળાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. જાહેર માર્ગ દબાણ કરી વાહન વ્યવહારમાં અવરોધ ઊભો કરનાર નાના વેપારીઓનો માલ-સામાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. વડોદરા પાલિકાની દબાણ શાખા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા નાના વેપારીઓએ પાલિકાની આ કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

જોકે, મંગળબજાર ખાતે પાલિકાની દબાણ કામગીરી શરૂ થતાં જ કેટલાક વેપારીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ચકમક ઝરી હતી, ત્યારે પોલીસની દરમિયાનગીરીથી દબાણ હટાવો કામગીરી ચાલુ રાખી લારી સહિત પાથરણાવાળાઓનો માલ-સામાન જપ્ત કર્યો હતો. આ સાથે જ મેયર કેયૂર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મંગળબજારના વેપારીઓ અને દુકાનદારો સાથે ચર્ચા કરી હતી. જેમાં તેઓને જણાવ્યુ હતું કે, તમારી દુકાન બહાર પાથરણાવાળાઓને બેસવા નહીં દેવા. જોકે, પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન બજારમાં અફારતફરીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

Tags:    

Similar News