વલસાડ : વાપીમાંથી પ્રતિબંધિત ગુટખાની હેરાફેરી કરતું કન્ટેનર ઝડપાયું

Update: 2020-12-29 12:17 GMT

વલસાડ જિલ્લાની વાપી જીઆઇડીસી પોલીસે પ્રતિબંધિત ગુટખાનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડયું છે. બનાવ સંદર્ભમાં કન્ટેનરના ડ્રાયવર અને કલીનરની અટકાયત કરવામાં આવી છે. ગુટખાનો અંદાજીત 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે….

વાપી જીઆઇડીસી  પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસની એક ટીમ અમદાવાદ-  મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલાં કન્ટેનરને રોકી તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી વેળા કન્ટેનરમાંથી 90 બેગ ભરીને ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાં રહેલો ગુટખાનો જથ્થો પ્રતિબંધિત હોવાથી ડ્રાયવર અને કલીનરની અટકાયત કરવામાં આવી હતી. બંનેની પુછપરછમાં કન્ટેનર હિંમંતનગરથી મુંબઇ જઇ રહયું હતું. કન્ટેનરમાંથી મળી આવેલાં ગુટખાના જથ્થા પર ઉત્પાદકનું નામ તથા કાનુની ચેતવણી લખવામાં આવી નથી.  મહત્વપૂર્ણ છે કે મુંબઈમાં પણ  પાન મસાલા ગુટકા અને તમાકુ પર પ્રતિબંધ છે. ગુજરાતમાંથી ગેરકાયદે રીતે ગુટખાનો જથ્થો અન્ય રાજયમાં ઘુસાડવાનું કૌભાંડ ચાલતું હોવાની શકયતાઓ પોલીસ ચકાસી રહી છે. હિમંતનગરથી ગુટખાનો જથ્થો ભરી આપનાર તથા મુંબઇથી જથ્થો મંગાવનારને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. 

Tags:    

Similar News