દમણ : અંકલેશ્વરના સહેલાણી દેવકા બીચ પર ગયા હતા ફરવા, જુઓ પછી તેમની સાથે કેવી બની ઘટના…!

0

સંઘપ્રદેશ દમણના દેવકા બીચ ખાતે અંકલેશ્વર શહેરના સહેલાણી સાથે ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. જેમાં એક લુટારુ ચપ્પુની અણીએ સહેલાણી પાસેથી કુલ રૂપિયા 1.50 લાખના માલ સામાનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. જોકે ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંઘપ્રદેશ દમણ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવતા હોય છે, ત્યારે હાલ કોરોનાના કારણે અપાયેલ અનલોક દરમ્યાન કેટલીક છૂટ મળતા સહેલાણીઓ દમણના દેવકા બીચ પર ફરવા આવી રહ્યા છે. પરંતુ હવે દમણના બીચ સુરક્ષિત નથી રહ્યા તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જેમાં સોમવારના રોજ અંકલેશ્વરના એક યુવકને ચપ્પુ બતાવી તેની પત્નીનું મંગળસૂત્ર, પર્સ અને મોબાઈલ સહિતના માલ સામાનની લૂંટ ચલાવી એક લુટારુ ફરાર થઈ ગયો હતો.

જોકે સમગ્ર ઘટનાનો વિડિયો ત્યાં હાજર અન્ય એક સહેલાણીએ પોતાના મોબાઈલ કેમેરામાં ઉતારી લીધો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા દમણ પોલીસ દોડતી થઈ હતી. બનાવના પગલે સહેલાણી યુવકે દમણ પોલીસ મથકે કુલ રૂપિયા 1.50 લાખના માલ સામાનની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ તો દમણ પોલીસે વિડિયોના આધારે લૂંટ ચલાવનાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here