Connect Gujarat
Featured

અરવલ્લી : ત્રિપલ “P”ના મંત્રથી આત્મનિર્ભર બની આદિવાસી બહેનો, જુઓ મહિલાઓએ શેની કરી ખેતી..!

અરવલ્લી : ત્રિપલ “P”ના મંત્રથી આત્મનિર્ભર બની આદિવાસી બહેનો, જુઓ મહિલાઓએ શેની કરી ખેતી..!
X

સમગ્ર વિશ્વ અને ભારત કોરોનાના સંક્રમણ કાળમાંથી પસાર થઇ રહ્યુ છે, ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાનું ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વોથી ભરપૂર હળદર તે પૈકી એક છે. હળદરની ખેતી અને તેના વેચાણથી અરવલ્લીની આદિવાસી બહેનો સારી કમાણી કરી પ્રોડકશન, પ્રોસેસિંગ અને પેકેજીંગના ત્રિપલ "P"ના મંત્રથી આત્મનિર્ભર બની છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાના ગામડાઓની આદિવાસી બહેનો જમીનના નાના ટુકડાઓમાં દેશી હળદર સહિત દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બની છે. અગાઉ હળદર અને આદુની ખેતી કરીને છુટક બજારમાં વેચાણ કરી પૈસા મેળવતી હતી. પરંતુ ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ બહેનોએ સખી મંડળનું નિર્માણ કરી લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે. હળદર અને આદુની ખેતી પર લગભગ 200થી વધુ પરીવારોની આજીવિકા ચાલે છે. જેમાં 5થી વધારે સખી મંડળની 70થી વધુ બહેનો જોડાયેલી છે. જેઓ મહિને રૂ. 10 હજાર અને શિયાળાના ગાળામાં રૂ. 50 હજારથી વધારે કમાણી કરે છે, ત્યારે આદિવાસી બહેનો સારી કમાણી કરી પ્રોડકશન, પ્રોસેસિંગ અને પેકેજીંગના ત્રિપલ "પી"ના મંત્રથી આત્મનિર્ભર બની છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકાના બહુધા આદિજાતિ વસતી ધરાવતી બહેનો પહેલા ધાન્યપાક અને ઘાસચારનું વાવેતર કરી પશુપાલન પર નિર્ભર રહેતી હતી. પરંતુ બજારમાં માંગ વધારે હોય તેવા ઔષધિય પાક હળદર અને આદુનું ખેડૂત બહેનોએ વાવેતર શરૂ કર્યુ. જેમાં આર્ગેનિક હળદર મુખ્ય પાક છે. અહિની બહેનો દ્વારા પકાવવામાં આવતી લીલી હળદરનો 50 રૂપિયે કિલોનો ભાવ હોય તો પણ બજારમાં વેચાય જાય છે. પરંતુ તે સિવાય વધતી હળદરને પ્રોસેસિંગ કરી પ્રોડક્ટને બજારમાં રૂપિયા 210ના કિલોના ભાવે વેચાણ અર્થે મુકવામાં આવતા તેની માંગ પણ વધુ રહે છે. જોકે ઉચ્ચ અભ્યાસ પછી નોકરી ન મળતા કેટલીક બહેનોએ ખેતી કરી આત્મનિર્ભર બનવાનો નિર્ધાર કર્યો છે. ટાંચા સાધાનો અને માર્યાદિત જમીન હોવા છતાં ગ્રામ વિકાસ દ્વારા મળેલ માર્ગદર્શનના કારણે આજે આ બહેનોએ આત્મનિર્ભર બની અન્ય લાખો બહેનો તેમજ ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

Next Story